News of Wednesday, 10th September 2025
સાગબારા કોર્ટે મારામારીના કેસમાં બે આરોપીઓને 3 વર્ષની સજા : 10 હજારનો દંડ ફટકાર્યો
પાંચ વર્ષ પહેલાં થયેલા હુમલામાં કોર્ટે પુરાવાઓને માન્ય રાખીને ચુકાદો આપ્યો, ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો, પીડિતોને પાંચ હજારનું વળતર ચૂકવવા પણ આદેશ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: પાંચ વર્ષ પહેલાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવાગામ ( સેલંબા) માં થયેલી મારામારીના એક કેસમાં સાગબારા કોર્ટે બે આરોપીઓને દોષી ઠેરવીને સજા સંભળાવી છે. આ કેસમાં કોર્ટે બંને આરોપીઓને ત્રણ વર્ષની સાદી કેદ અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે એવો પણ આદેશ કર્યો છે. કે દંડની રકમમાંથી પાંચ પાંચ હજાર રૂપિયા એટલે કે દસ હજાર રૂપિયા ઇજાગ્રસ્તોને વળતર તરીકે ચૂકવવામાં આવે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, વર્ષ 2020માં સાગબારાના નવાગામ ( સેલંબા) માં મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં પાંચ આરોપી પૈકી વીજયસીંગ વાલજી વસાવા, અતુલ વીજયસીંગ વસાવા, પ્રીતેશ વીજયસીંગ વસાવા, રવીન્દ્ર સુભાષ વસાવા અને સંજય સુભાષ વસાવા તમામ રહે.નવાગમ (સેલંબા), તાલુકો સાગબારા જિલ્લો નર્મદા વિરુદ્ધ આ ઘટના અંગેની ફરિયાદ સાગબારા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને સંબંધિત કાયદાકીય જોગવાઈ હેઠળ આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
આ કેસ સાગબારાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ બી.એ. ચૌધરીની કોર્ટમાં ચાલી જતા , સરકારી વકીલ કે.આર. ચૌધરી દ્વારા રજૂ કરાયેલી ધારદાર દલીલો અને ફરિયાદ પક્ષે રજૂ કરાયેલા મજબૂત પુરાવાઓથી કોર્ટે આરોપી વીજયસીંગ વાલજી વસાવા, અને અતુલ વીજયસીંગ વસાવાને દોષી ઠેરવી, ત્રણ વર્ષની સાદી કેદ અને રૂ. 10 હજારના દંડની સજા ફટકારી છે. આ દંડની રકમમાંથી આ કેસના બંને પીડિત મોગરા સુરેશ વસાવા અને સુરેશ ચંપક વસાવાને પાંચ પાંચ હજાર રૂપિયા લેખે કુલ દસ હજાર પૂરા રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો હતો. અને જો આરોપીઓ દંડ ન ભરે તો તેને વધુ એક મહિનાની સાદી કેદની સજા ભોગવવી પડશે. જ્યારે આ જ કેસમાં પ્રીતેશ વીજયસીંગ વસાવા રવીન્દ્ર સુભાષ વસાવા અને સંજય સુભાષ વસાવાને કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યા હતા
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
