તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
દેશમાં સૌપ્રથમવાર સુરતમાં "ગ્રીન વ્હીકલ પોલિસી" થશે લોન્ચ : પીએમ મોદીના જન્મદિવસથી અમલ :રૂ 1 લાખ સુધીનો ફાયદો
ગ્રીન વાહનો ખરીદનાર નાગરિકોને આકર્ષક લાભો: 1.50 લાખની બાઇકથી લઈ 25 લાખની કાર સુધીના વાહનોમાં 3000થી લઈ 1 લાખનો સીધો ફાયદો થશે

સુરત મહાનગરપાલિકા દેશમાં સૌપ્રથમવાર "ગ્રીન વ્હીકલ પોલિસી" લોન્ચ કરવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ આ નીતિનો અમલ કરવામાં આવશે. આ પહેલ ગ્લોબલ વોર્મિંગના પડકારો અને વાયુ પ્રદૂષણની વૈશ્વિક ચિંતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં પ્રદૂષણ ઘટાડવાનો અને ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન અને બાયો-ફ્યુઅલ આધારિત વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. સ્વચ્છ શહેર બન્યા બાદ હવે સુરત ગ્રીન સિટી બનવા તરફ બીજું ડગલું ભરી રહ્યું છે, જે દેશમાં એક મોડેલ સિટી તરીકે જાણીતું બનશે.
આ નીતિ હેઠળ, ગ્રીન વાહનો ખરીદનાર નાગરિકોને આકર્ષક લાભો આપવામાં આવશે. જેમાં 1.50 લાખની બાઇકથી લઈ 25 લાખની કાર સુધીના વાહનોમાં 3000થી લઈ 1 લાખનો સીધો ફાયદો થશે. પાંચ વર્ષ માટે વાહન વેરામાં રાહત આપવામાં આવશે અને પોલિસીના સમયગાળા દરમિયાન પર્યાવરણ ચાર્જમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત, પાલિકા સંચાલિત પાર્કિંગ સ્થળોમાં ગ્રીન વાહનો માટે 10% પાર્કિંગ જગ્યા આરક્ષિત રાખવામાં આવશે. આ પોલિસી માત્ર ઇલેક્ટ્રિક વાહનો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં હાઇડ્રોજન, બાયો-ફ્યુઅલ અને ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ આધારિત ગતિશીલતાને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. સુરત મહાનગરપાલિકાએ પ્રાયોગિક ધોરણે હાઇડ્રોજન બસ દોડાવવાનું પણ આયોજન કર્યું છે, જે સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં એક મોટું પગલું છે.
આ પોલિસીમાં ઇ-ઓટો રિક્ષા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ભવિષ્યમાં આરટીઓમાં માત્ર ઇ-ઓટો રિક્ષાની જ નોંધણી થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, જેના પર પાલિકા, કલેક્ટર અને આરટીઓના અધિકારીઓની સંયુક્ત સમિતિ નિર્ણય લેશે. હાલમાં, ગુજરાત રાજ્યના કુલ ઇ-વાહનો પૈકી 30% વાહનો સુરત શહેરમાં નોંધાયેલા છે, જ્યારે દેશના કુલ ઇ-વાહનોના અઢી ટકા વાહનો સુરતમાં છે.
મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલના જણાવ્યા અનુસાર, આ નવી પોલિસીના કારણે ઇ-વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે અને તે પર્યાવરણ માટે અત્યંત અનુકૂળ રહેશે. ભારત સરકાર, ગુજરાત સરકાર અને GIZ જેવા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદથી તૈયાર કરાયેલી આ પોલિસી સુરતને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં દેશના અગ્રણી શહેરોમાંથી એક બનાવશે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
