News of Thursday, 11th September 2025
શિક્ષણ બોર્ડનો ક્રાંતિકારી નિર્ણય : માર્કશીટ-સર્ટિફિકેટમાં હવે ઓનલાઈન સુધારા શક્ય : ફી ભરવા માટે UPI-QR કોડની સુવિધા
વિદ્યાર્થીઓ અને વાલીઓને બોર્ડની કચેરીના ધક્કામાંથી મુક્તિ : નામ, જન્મતારીખ સહિતની વિગતોના સુધારા તેમજ ડુપ્લિકેટ માર્કશીટ જેવી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ

ગાંધીનગર: ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના પરિણામે હવે વિદ્યાર્થીઓ તેમના માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરાવી શકશે. આ સાથે, આ તમામ સેવાઓ માટેની ફી પણ હવે ઓનલાઈન માધ્યમથી ભરી શકાશે, જે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટેની પ્રક્રિયાને અત્યંત સરળ અને ઝડપી બનાવશે.
આ નવી ઓનલાઈન સુવિધાથી ગુજરાતના વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં નામ, અટક અને જન્મ તારીખ જેવી વિગતોમાં સુધારા કરી શકશે. આ સિવાય, બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓના માર્કશીટ-પ્રમાણપત્ર વેરિફિકેશન, વિદેશ જવા માટેના સીલ કવરમાં સુધારા, ટેટ (TET) વેરિફિકેશન, ટેટ ડુપ્લિકેશન અને ડુપ્લિકેટ માર્કશીટ જેવી સેવાઓ પણ ઓનલાઈન ઉપલબ્ધ થશે.
આ સેવાઓ માટે ફી ભરવા માટે યુપીઆઈ, ક્યુઆર કોડ, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જેવી ડિજિટલ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાશે. આ પહેલાં ફી માત્ર બેંક ચલણ દ્વારા જ ભરવી પડતી હતી.
ગુજરાત શિક્ષણ બોર્ડના સચિવ રાકેશ વ્યાસે આ નિર્ણય અંગે જણાવ્યું કે, "રાજ્યના વિવિધ ભાગોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓફલાઇન પ્રક્રિયા અંતર્ગત બેંકના નિયત સમયમાં રૂબરૂ ચલણ ભરવા જવું પડતું હતું. વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયાને હવે સંપૂર્ણપણે ઓનલાઈન કરી દેવામાં આવી છે." તેમણે ઉમેર્યું કે, "આ નિર્ણયથી રાજ્યના જિલ્લા અને તાલુકા મથકોએથી ગાંધીનગર આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓને સીધો લાભ થશે. આ પહેલથી તેમના સમય અને શ્રમ બંનેની બચત થશે અને વહીવટી પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે."
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
