<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

અમદાવાદમાં ભાણેજે જ મામાનું કરાવ્યું અપહરણ : જમીન લે વેચનું કામ કરતા એક વેપારીને ઉઠાવી લેવાયા :એક કરોડની ખંડણી માંગી

રામોલ પોલીસે નામ સંગ્રામસિંહ સિકરવાર, શિવમ ઉર્ફે કાકુ તોમર, અમન ભદોરીયા, સુરજ ચૌહાણ, અરફરોઝખાનફ ઉર્ફે સૈજુ, ઋષિ ઉર્ફે હેપ્પી સેંગર નામના આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદમાં જમીન લે વેચનું કામ કરતા એક વેપારીનું અપહરણ કરવામાં આવ્યું, અપહરણ કરી એક કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી, વેપારીએ પોતાનો જીવ બચાવવા માટે પોતાના ઘરેથી લાખો રૂપિયા રોકડા અને દાગીના મંગાવી આરોપીઓને આપી દીધા, આ મામલે પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ આરોપીઓની જ્યારે ધરપકડ કરી ત્યારે તપાસમાં જે સામે આવ્યું તે જાણી પોલીસ પણ અચંબામાં આવી ગઈ હતી. 

 

રામોલ પોલીસે નામ સંગ્રામસિંહ સિકરવાર, શિવમ ઉર્ફે કાકુ તોમર, અમન ભદોરીયા, સુરજ ચૌહાણ, અરફરોઝખાનફ ઉર્ફે સૈજુ, ઋષિ ઉર્ફે હેપ્પી સેંગર નામના આરોપીઓની ધરપકડ કરી છે, આ તમામ આરોપીઓએ કાવતરૂ રચીને મૂળ રાજસ્થાનના અને હાલ વટવામાં રહેતા અજય રાજપુતનું અપહરણ કર્યું હતું. જે બાદ અલગ અલગ જગ્યાઓ પર ફેરવી માર માર્યો અને એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી, જોકે આટલા રૂપિયા અજય રાજપુત પાસે ન હોવાનું જણાવતા ઘરમાં જેટલા રૂપિયા અને દાગીના હોય તે તમામ મંગાવી કુલ 52 લાખ 50 હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જોકે અજય રાજપુતતે પોલીસ ફરિયાદ કરતા પોલીસે પાંચ આરોપીઓને રાજસ્થાનથી જ્યારે એક આરોપીને અમદાવાદથી પકડી પાડ્યો હતો. 

 

આ મામલે પકડાયેલા આરોપીઓમાંથી ઋષિ ઉર્ફે હેપ્પી સેંગર ફરિયાદી અજય રાજપુતનો કૌટુંબિક ભાણીયો છે. થોડા સમય પહેલા વસ્ત્રાલમાં બનેલી ચર્ચાસ્પદ અસામાજિક તત્વોના આતંકની ઘટના બાદ ફરાર સંગ્રામસિંહ સિકરવારને રૂપિયાની જરૂર હોવાથી 4 દિવસ પહેલા અમદાવાદ આવ્યો હતો. તેવામાં ઋષિ ઉર્ફે હેપ્પી સેંગરે તેને અજય રાજપુત જમીન લે વેચનું કામ કરતો હોવાથી તેની પાસે મોટી રકમ હોવાનું કહીને અપહરણ અને લૂંટ કરવાની ટીપ આપી હતી. તેણે આ કામ કરવા માટે પોતાના સાગરીતોને બોલાવી ઈનોવા કાર પણ ભાડે લીધી હતી. 9મી સપ્ટેમ્બરે અજય રાજપુત પોતાનું મોટર સાયકલ લઈને વસ્ત્રાલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તમામ આરોપીઓએ ભેગા મળી તેનું અપહરણ કરી જુદી જુદી જગ્યાઓ પર ફેરવી નાના ચીલોડા પાસે લઈ જઈ ઘરેથી મંગાવેલી રોકડ અને દાગીનાંની લૂંટ કરી હતી. બાદમાં અજય રાજપુતને રણાસર ગામથી નર્મદા કેનાલ જવાનાં સર્વિસ રોડ પર મુકીને ફરાર થઈ ગયા હતા.

 

આ બનાવ બાદ આરોપીઓ રાજસ્થાનમાં કોટામાં હોવાની રામોલ પોલીસને માહિતી મળતા રાજસ્થાન પોલીસની મદદથી પાંચ આરોપીઓને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા 26 લાખ રોકડા, 25 લાખનાં દાગીનાં, દોઢ લાખનાં ચાંદીનાં દાગીનાં સહિતનો 52.50 લાખનો તમામ મુદ્દામાલ રીકવર કર્યો છે. ગુનામાં વપરાયેલું હથિયાર અને બે કાર પણ પોલીસે કબ્જે કરી છે.  આરોપીઓમાં સંગ્રામ અને શિવમ સામે અગાઉ મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે, તેવામાં રામોલ પોલીસે હાલ તો ગુનામાં સામેલ અન્ય આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરી છે.

(8:52 PM IST)