<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

આદિવાસી વિસ્તારોમાં ધારાસભ્ય ચૈતર વસાવાનું વધતું પ્રભુત્વ રોકવા તેમના પર ખોટા કેસો કરવામાં આવ્યા: ગોપાલ ઇટાલીયા

AAP તથા કોંગ્રેસના ધારાસભ્યોએ અત્યંત ગંભીર મુદ્દે વિધાનસભામાં મુખ્યમંત્રીને મળીને કરી રજૂઆત

( ભરત શાહ દ્વારા ) નર્મદા :આમ આદમી પાર્ટીના ધારાસભ્યો તથા કોંગ્રેસના ધારાસભ્યો સાથે મળીને વિધાનસભા સત્રના છેલ્લા દિવસે વિશ્રામ સમયમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ મુદ્દે વિસ્તારપૂર્વક વાત કરતા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમાં ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી લોકો માટે તથા યુવાનો માટે ખૂબ જ કામ કરી રહ્યા છે, નાના નાના મુદ્દાથી લઈને મોટા મોટા મુદ્દા ઉપર તેઓ મજબૂતી અવાજ ઉઠાવી રહ્યા છે અને તેના કારણે આદિવાસી સમાજના તથા તે વિસ્તારના તમામ લોકોને ખૂબ જ ફાયદો મળી રહ્યો છે. જેથી કરીને ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતા દિવસેને દિવસે સમગ્ર આદિવાસી પટ્ટામાં વધી રહી છે. તો ધારાસભ્ય ચૈતર વસાવાના આ વધતા પ્રભુત્વને રોકવા માટે ભાજપ સરકાર દ્વારા તેમના પર ખોટા કેસો કરવામાં આવ્યા છે. તો આજે અમે ચૈતર વસાવા પર થઈ રહેલા ષડયંત્ર અને દ્વેષપૂર્ણ કાર્યવાહી અંગે અમે મુખ્યમંત્રીને મળીને મજબૂત વિરોધ નોંધાવ્યો છે.
    ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું કે વિસાવદર ખાતે મારી સાથે પોલીસે ધારાસભ્યના વિશેષાધિકાર વિરુદ્ધ વર્તન કર્યું, તો ધારાસભ્યના વિશેષાધિકારને લઈને જે ખોટું વર્તન કરવામાં આવ્યું છે તે મુદ્દા પર અમે મુખ્યમંત્રીને મૌખિક રજૂઆત કરી. તેમજ પાટણમાં પણ ધારાસભ્ય સામે ચીફ ઓફિસરે ગેરબંધારણીય વર્તન કર્યું. આ તાનાશાહીભર્યા વર્તનની અમે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. પોલીસ તંત્રના અને સરકારી અધિકારીઓના વ્યવહારની જોઈને લાગી રહ્યું છે કે ભાજપના ઈશારે વિરોધ પક્ષોને દબાવવા માટે આવા તાનાશાહીભર્યા પ્રયાસો થઈ રહ્યા છે. ગોપાલ ઈટાલીયાએ વધુમાં કહ્યું કે કાશ્મીરમાં પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેઓ લોકો માટે મજબૂત અવાજ ઉઠાવતા હતા.
   ભાજપ ગમે તેટલા પ્રયત્નો કરી લે પરંતુ આમ આદમી પાર્ટીને રોકી નહીં શકે. આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતીથી આગળ વધી રહી છે માટે આમ આદમી પાર્ટીથી ચીડાયેલા ભાજપના નેતાઓ સત્તાના બળેથી અમારું ગળું દબાવવાની કોશિશ કરે છે, પરંતુ એ થશે નહીં. આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતાઓ પર પણ EDની રેડ કરવામાં આવી પરંતુ અમે ભાજપની આવી હરકતો અને કાવતરાઓથી ડરતા નથી. ભાજપના તમે તમામ પડકારોને અમે સ્વીકારી લઈશું. ભાજપ ગમે તેટલા પ્રયાસો કરી લે પરંતુ તેઓ આમ આદમી પાર્ટીને રોકી નહીં શકે. AAP કરોડો લોકોના દિલની સંવેદનાથી બનેલી પાર્ટી છે, જેને સત્તાની તાકાતથી દબાવી શકાય તેમ નથી. અમે ભાજપના તાનાશાહી વલણ સામે અંત સુધી લડતા રહીશું

(10:01 PM IST)