<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

CBI ની મોટી કાર્યવાહી: બેન્ક ઓફ ઇન્ડિયા સાથે 121 કરોડની છેતરપીંડી મામલે અમદાવાદ અને ગાંધીનગરમાં દરોડા

અમદાવાદની ખાનગી કંપની અનિલ બાયોપ્લસ લિમિટેડ (ABL) સામે 121 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ: અમદાવાદ અને ગાંધીનગર સ્થિત ABL કંપનીની ઓફિસો અને ડાયરેક્ટરોના નિવાસ્થાનો પર સર્ચ ઓપરેશન :કંપનીના ડાયરેક્ટરો અમોલ શેઠ, દર્શન મહેતા, અને નલિન ઠાકોર સામે ગુનો

અમદાવાદ :સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ અમદાવાદની ખાનગી કંપની અનિલ બાયોપ્લસ લિમિટેડ (ABL) સામે રૂપિયા 121 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. આ કાર્યવાહી બેંક ઓફ ઇન્ડિયા (BOI) દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે કરવામાં આવી છે. બેંકનો આરોપ છે કે કંપની અને તેના ડાયરેક્ટરોએ નકલી દસ્તાવેજો અને ખોટી માહિતી રજૂ કરીને બેંક સાથે નાણાકીય છેતરપિંડી કરી છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, CBI એ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના ફરી એકવાર કોર્પોરેટ ગવર્નન્સ અને બેંકિંગ ક્ષેત્રમાં પારદર્શિતાના મુદ્દાઓને ચર્ચામાં લાવી છે.  

ગુનો નોંધાયા બાદ, CBI એ તરત જ કાર્યવાહી કરતા અમદાવાદ અને ગાંધીનગર સ્થિત ABL કંપનીની ઓફિસો અને ડાયરેક્ટરોના નિવાસ્થાનો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સર્ચ દરમિયાન CBI ને અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, હાર્ડ ડિસ્ક અને અન્ય પુરાવાઓ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે, જે આ છેતરપિંડીના કાવતરાને ઉજાગર કરવામાં મદદરૂપ થશે. CBI દ્વારા આ ગુનામાં સંડોવાયેલા કંપનીના ડાયરેક્ટરો અમોલ શેઠ, દર્શન મહેતા, અને નલિન ઠાકોર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ આરોપીઓ પાસેથી વધુ પૂછપરછ કરીને આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

બેંક ઓફ ઇન્ડિયાએ તેની ફરિયાદમાં જણાવ્યું છે કે, ABL કંપનીએ જુદા જુદા બેંક ખાતાઓ અને પ્રોજેક્ટો માટે લોન લીધી હતી, પરંતુ તેનો ઉપયોગ નિર્ધારિત હેતુ માટે ન કરતાં, અન્યત્ર વાળી દીધો હતો, જેના કારણે બેંકને મોટું નુકસાન થયું છે. CBI દ્વારા હવે આ સમગ્ર નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે, જેથી કૌભાંડની સાચી હકીકત સામે આવી શકે. CBIની આ ઝડપી કાર્યવાહીથી ભવિષ્યમાં આ પ્રકારના આર્થિક ગુનાઓ આચરતા તત્વોમાં ફફડાટ ફેલાશે અને બેંકિંગ વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ ફરી સ્થાપિત કરવામાં મદદ મળશે.

(11:16 PM IST)