<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા પ્રવાસના બીજા દિવસે વાવના માડકા ગામે પહોંચ્યા : સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો

ગામના સ્થાનિક લોકોએ પોતાની મુશ્કેલી અને રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ મૂકી:વહીવટી તંત્ર દ્વારા કપરી પરિસ્થિતિમાં આપેલી સેવાઓ બદલ સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો

અમદાવાદ :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલ બનાસકાંઠા પ્રવાસના બીજા દિવસે વાવના માડકા ગામે પહોંચ્યા છે. જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો હતો. માડકા ગામના સ્થાનિક લોકોએ પોતાની મુશ્કેલી અને રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ મૂકી હતી. વહીવટી તંત્ર દ્વારા કપરી પરિસ્થિતિમાં આપેલી સેવાઓ બદલ સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ ગુરુવારે બપોરે સુઈગામ પહોંચ્યા હતા અને સુઈગામ સામુહિક આરોગ્ય કેન્દ્રના આશ્રય સ્થાનમાં આશરો લઈ રહેલા પૂર અસરગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમને અપાતી સગવડ તેમજ પૂરથી થયેલા નુકસાનની વિગતો જાણી હતી અને સરકાર આ પૂરની પરિસ્થિતિમાં તેમની પડખે હોવાનો અહેસાસ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી સૂઇગામમાં વરસાદી પાણી ભરાયેલા વિસ્તારમાં અને જલોત્રા સબ સ્ટેશન પણ ગયા હતા અને વરસાદથી ઊભી થયેલી સ્થિતિથી અવગત થયા હતા. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાના વાવમાં ગુરુવારે રાત્રી રોકાણ કરીને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને પરિસ્થિતિની વિગતો મેળવી હતી. ત્યારબાદ તેમણે સુઈગામ પ્રાંત અધિકારી કચેરીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, અનિકેત ઠાકર, પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, અને પદાધિકારીઓ તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ અને અધિકારીઓ સાથે બેઠક યોજીને તંત્રએ હાથ ધરેલી બચાવ રાહત કામગીરીની સમીક્ષા કરવા સાથે જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની સરાહના કરી હતી અને સ્થિતિ પૂર્વવત થાય ત્યાં સુધી આવી જ સંવેદના અને ત્વરાથી કાર્યરત રહેવાની પ્રેરણા આપી હતી. તેમણે વરસાદી અસરગ્રસ્તોને કેસ ડોલ્સની ચુકવણી ગુરુવારે સાંજથી જ શરૂ કરી દેવા અને ઘરવખરી સહાય ચૂકવવામાં એસ.ઓ.પી બનાવીને તે મુજબની સહાય ચૂકવવા દિશા નિર્દેશો આપ્યા હતા. પશુધન મૃત્યુના કિસ્સામાં સહાયની ચુકવણી વેટરનરી ઓફિસર દ્વારા ખરાઈ કરીને ચૂકવાય તે માટે સૂચનાઓ આપી હતી.

રાજ્ય સરકાર દ્વારા 15 કિલો ખાદ્ય સામગ્રીની એક એવી 18,000 કીટ્સ અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને પહોંચાડવા માટે રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત અઢી લાખ ફૂડ પેકેટ અને ૩ લાખ પાણીની બોટલ અત્યાર સુધીમાં અસરગ્રસ્તોને પૂરી પાડવામાં આવી છે. અસરગ્રસ્ત તાલુકામાં બધા જ સબ સ્ટેશનમાં વીજ પુરવઠો કાર્યરત છે અને 213 ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી તે દુરસ્ત કરીને 181 થી વધુ ગામોમાં પુરવઠો પૂર્વત થઈ ગયો છે.

(1:46 PM IST)