<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

સોની બજારમાં ઉલટી ગંગા શરૂઃ લોકો સોનું ખરીદવાને બદલે વેચવા નીકળ્‍યા

સોનાના ભાવમાં એક મહિનામાં ૧૨-૧૩ હજારનો ઉછાળો, ચાંદીના ભાવમાં પણ અસાધારણ વધારો

અમદાવાદ તા.૧૨: અમદાવાદ સહિત રાજ્‍યભરના સોની બજારમાં હાલમાં ઉલટી ગંગા શરૂ થઈ હોય તેવો પાટ થયો છે. સામાન્‍ય રીતે સોના-ચાંદીના ભાવમાં વધારો થાય ત્‍યારે લોકો ખરીદી કરતા હોય છે, પરંતુ આ વખતે ચિત્ર ઊંધું દેખાઈ રહ્યું છે. ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી જતા સોની બજારમાં મંદી જોવા મળી રહી છે અને લોકો ખરીદીને બદલે સોનું વેચવા માટે દુકાનો પર આવી રહ્યા છે, જેમણે એક લાખથી ઓછા ભાવમાં સોનું ઇન્‍વેસ્‍ટમેન્‍ટ માટે ખરીધું હતું, તે હવે વેચાણ કરી રહ્યા છે.

સોની બજારના વેપારીઓના જણાવ્‍યા મુજબ, ૧લી ઓગસ્‍ટે ૨૪ કેરેટ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ આશરે ૯૯,૦૦૦ હતો, જે હાલ વધીને ૧,૧૧,૦૦૦ પર પહોંચી ગયો છે. એટલે કે, માત્ર એક જ મહિનામાં સોનામાં ૧૨,૦૦૦ ભાવથી ૧૩,૦૦૦ સુધીનો ઉછાળો આવ્‍યો છે. બીજી બાજુ, ચાંદીના ભાવમાં પણ અસાધારણ વધારો નોંધાયો છે. ૧લી ઓગસ્‍ટે એક કિલો ચાંદીનો ભાવ ૧,૧૩,૦૦૦ હતો, જ્‍યારે હાલ તે વધી ૧,૨૮,૦૦૦ સુધી પહોંચી ગયો છે. આ વધારાથી માત્ર ગણતરીના દિવસોમાં જ રોકાણકારોને ઘણો નફો થયો છે.

સૌનાના ભાવમાં વધારાને કારણે બજારમાં મંદી છવાઈ ગઈ છે. વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ખરીદી માટે આવતા લોકોની સંખ્‍યા ઓછી છે. તેના બદલે જેમણે અગાઉ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ માટે સોનું લીધું હતું, તે હવે ઊંચા ભાવમાં વેચવા માટે આગળ આવી રહ્યા છે. બજારમાં સોનાની ખરીદી કરતા વેચાણ વધારે થતું હોવાથી ‘ઉલટી ગંગા' જેવી સ્‍થિતિ સર્જાઈ છે. તેમ નવ ગુજરાત સમય જણાવે છે. (૩૮.૩૦)

સોનું ખરીદવું કે વેચવું? ગ્રાહકોમાં દ્વિધાઃ રોકાણકારો માટે સારો મોકો

સોના-ચાંદીના ભાવમાં આકસ્‍મિક ઉછાળાને લઇને ગ્રાહકો દ્વિધામાં છે. તેમને એ ચિંતા સતાવે છે કે, આ ભાવમાં સોનું ખરીદવું કે વેચવું? જે સપાટીએ કિંમતી ધાતુના ભાવ પહોંચ્‍યા છે તે સંજોગોમાં લગ્ન કે અન્‍ય પ્રસંગો માટે આભૂષણોની ખરીદી મુશ્‍કેલ બની રહી છે. બીજી બાજુ રોકાણકારો માટે આ સારો મોકો સાબિત થઈ રહ્યો છે. વેપારીઓ માને છે કે, જો વૈશ્વિક બજારમાં સોનાની માગ વધુ રહેશે તો આવતા દિવસોમાં ભાવમાં વધુ વધારો થવાની શક્‍યતા છે.

સોનાના ભાવ આસમાને પહોંચી જતા ગણતરીઓ ખોટી પડી

ભારતમાં લગ્ન પ્રસંગે દીકરી-વહુઓને સોનું આપવાની પરંપરા છે. જેમાં હવે દિવાળી બાદ શરૂ થઇ રહેલા લગ્નસરામાં જે લોકોને હજુ સોનું ખરીદવાનું બાકી છે. તેમનું બજેટ ખોરવાઇ રહ્યું છે. સોનાના ભાવમાં ૧૨-૧૩ હજારનો વધારો થતાં જેમને લગ્નમાં પાંચ-સાત તોલા સોનું ખરીદવાનું હોય તેમનો ખર્ચ ૭૫ હજાર વધી ગયો છે.

શ્રાદ્ધમાં સોની બજારમાં ભારે મંદી

હાલ શ્રાદ્ધ પક્ષ હોવાથી સોની બજારમાં ખરીદી લગભગ સ્‍થગિત થઈ ગઈ છે. આ દિવસોમાં લોકો નવા આભૂષણો કે લગ્ન પ્રસંગોની ખરીદી કરતા નથી. જેના કારણે બજારમાં મંદી વધુ ઘેરી બની છે. વેપારીઓનો અંદાજ છે કે આવનારા નવરાત્રિ અને દિવાળી તહેવારો પહેલાં ભાવ સ્‍થિર થાય અથવા ઘટે તો જ ખરીદીમાં તેજી જોવા મળશે. વેપારી.

(3:18 PM IST)