<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

શુદ્ધ ઘીમાં ભેળસેળનો પર્દાફાશ : રાજ્યભરમાં દરોડા પાડી ₹૧.૪ કરોડનો બનાવટી ઘી અને કાચો માલ જપ્ત : ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડૉ. એચ.જી. કોશિયાએ આપી વિગતો

ગાંધીધામમાં ભારત ફૂડ્સમાંથી ₹૧.૩૨ કરોડનું શંકાસ્પદ રિફાઇન્ડ પામ તેલ સીઝ : ધ્રોલની ક્રિષ્ના ટ્રેડિંગમાંથી સોયાબીન અને વનસ્પતિની ભેળસેળ પકડાઈ : લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

અમદાવાદ: રાજ્યમાં શુદ્ધ ઘીના નામે થતી ભેળસેળનો પર્દાફાશ થયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યના વિવિધ સ્થળોએ દરોડા પાડીને કુલ ₹૧.૪ કરોડની કિંમતનો બનાવટી ઘી અને તેને બનાવવા માટેનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ.જી. કોશિયાએ આ અંગે વિગતવાર માહિતી આપી હતી.
ડૉ. કોશિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા ઘીની ગુણવત્તા પર શંકાના આધારે તપાસ ચાલી રહી હતી. જેમાં જાણવા મળ્યું કે ભેળસેળિયા તત્વો મુખ્યત્વે ઘી જેવું જ ટેક્સ્ચર ધરાવતા રિફાઇન્ડ પામ તેલ (RPO)નો ઉપયોગ કરી રહ્યા છે. આ માહિતીના આધારે તપાસનો દોર લંબાવતા, તેનો છેડો કચ્છના ગાંધીધામ સુધી પહોંચ્યો.
ગાંધીધામ અને ધ્રોલ ખાતે દરોડા:
૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ તંત્રની ટીમે ગાંધીધામ ખાતે આવેલ મે. ભારત ફૂડ્સ કો-ઓપરેટિવ લિમિટેડ પર દરોડા પાડ્યા હતા. અહીંથી બે રિફાઇન્ડ પામ તેલ (RPO), એક સવેરા બ્રાન્ડ રિફાઇન્ડ પામ તેલ અને એક વનસ્પતિના નમૂના લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન, આશરે ₹૧.૩૨ કરોડની કિંમતનું ૬૭ ટન શંકાસ્પદ રિફાઇન્ડ પામ તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો.
બીજી એક મોટી કાર્યવાહીમાં, તંત્ર દ્વારા ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ જામનગરના ધ્રોલ ખાતેની મે. ક્રિષ્ના ટ્રેડિંગ કંપની પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં ઘીમાં સોયાબીન તેલ અને વનસ્પતિની ભેળસેળ કરતા વેપારી ભરત ખિમસુરિયાને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા. સ્થળ પરથી ઘી, વનસ્પતિ અને સોયાબીન તેલના નમૂના લેવાયા, જ્યારે આશરે ₹૫.૮ લાખનો બે ટન ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. જાહેર આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ક્રિષ્ના ટ્રેડિંગનું લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
કાયદેસરની કાર્યવાહી:
ડૉ. કોશિયાએ જણાવ્યું કે, આ તમામ ખાદ્ય પદાર્થોમાં પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા છે. લેબોરેટરીમાં પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસાર કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર ગુજરાતના નાગરિકોને શુદ્ધ અને સલામત આહાર મળી રહે તે માટે કટિબદ્ધ છે અને આવા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવનારાઓ સામે સખત પગલાં ભરી રહ્યું છે.

(7:45 PM IST)