<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

વડોદરા એરપોર્ટ પરથી વિદેશી નાગરિકની બેગમાંથી બંદૂકની ગોળીના બે ખાલી ખોખા મળતા પોલીસ દોડતી

વિદેશી નાગરિકને હરણી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ ખાલી કેસ અંગે પૂછતાછ : વિદેશી નાગરિકની બેગમાંથી આવી શંકાસ્પદ વસ્તુ મળતા કેન્દ્રીય એન્જસીઓ તપાસમાં જોડાઈ

વડોદરા એરપોર્ટ પર આજે સવારે દિલ્હી જતી ફ્લાઈટમાં વિદેશી નાગરિક મુસાફરી કરે તે પહેલાં તેની બેગમાંથી બંદૂકની ગોળીના બે ખાલી ખોખા મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. જોકે વિદેશી નાગરિકને હરણી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ ખાલી કેસ અંગે પૂછતાછ શરૂ કરી હતી. વિદેશી નાગરિકની બેગમાંથી આવી શંકાસ્પદ વસ્તુ મળતા કેન્દ્રીય એન્જસીઓ તપાસમાં જોડાઈ હતી.

 

હરણી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર શંકર વસાવા સાથે આ મામલે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે સવારે વડોદરા એરપોર્ટ પર યુ.કેના નાગરિક 48 વર્ષીય સાયમન જેફરી હેરિસ દિલ્હી જવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓની બેગ સ્કેનિંગ કરતા સુરક્ષામાં તૈનાત જવાનોને શંકાસ્પદ વસ્તુ જણાતા બેગની તપાસ કરવામાં આવી હતી. બર્ગ તપાસતા તેમાંથી ગન બુલેટના બે ખાલી કેસ મળી આવ્યા હતા. જેથી એરપોર્ટ સિક્યુરિટી દ્વારા હરણી પોલીસને જાણ કરાતા વિદેશ નાગરિકને પોલીસ સ્ટેશન લાવી પૂછતાછ શરૂ કરવામાં આવી હતી.

 

તેમણે વધુમાં જણાવ્યું કે, સાયમનની પૂછતાછમાં તે એન્જિનિયર હોવાનું જાણવા મળ્યું હતું અને ગત 9 સેપ્ટમ્બરે એ વડોદરાના રનોલી ખાતે આવેલી ગૃનેર રીન્યુએબલ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લી. કંપનીમાં કામ અર્થે આવ્યો હતો. તેની બેગમાંથી મળેલા ખાલી કેસ બાબતે પૂછતાં આ ક્યાંથી આવ્યા તેનાથી એ બિલકુલ અજાણ હોવાનું જણાવ્યું હતું. આ મામલે કેન્દ્રીય ગુપ્તચર એજન્સી દ્વારા પણ સાયમનની પૂછતાછ કરવામાં આવી છે.

 

ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે, વિદેશ નાગરિકની બેગમાં ગણની બુલેટના ખાલી કેસ આવ્યા ક્યાંથી ? આ અંગે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હોય તેવું લાગી રહ્યું છે. જેથી ગનના ખાલી કેસ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

(9:06 PM IST)