<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

વલસાડ ડુંગરી નેશનલ હાઈવે નંબર 48 ઉપર ડીઝલ અને કેમિકલ ચોરીને વેચવાના ખેલનો પર્દાફાશ : ટેન્કર ચાલક અને ક્લીનર ફરાર

પોલીસે વિપુલ પ્રમાણમાં ડીઝલ અને કેમિકલ ભરાયેલા બેરલ સહિત એક ટેન્કર કબ્જે કર્યું જિલ્લા પંચાયતના સદસ્ય ધવલ પટેલએ આ કાળા ધંધાની પોલીસને જાણ કરતા કૌંભાડ ખુલ્યું

વલસાડ નજીક ડુંગરી નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલી શિવશક્તિ હોટલના પરિસરમાંથી ડીઝલ અને કેમિકલ ચોરીને વેચવાનો ગોરખધંધો ઝડપાયો છે. વલસાડ જિલ્લા પંચાયતના સદસ્ય ધવલ પટેલએ આ કાળા ધંધાની પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસને જોઈએ ટેન્કરના ચાલક અને ક્લીનર ફરાર થઈ ગયા હતા. પોલીસે વિપુલ પ્રમાણમાં ડીઝલ અને કેમિકલ ભરાયેલા બેરલ સહિત એક ટેન્કર કબ્જે કર્યું છે. જોકે આ સમગ્ર મામલામાં સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે.

છેલ્લા ઘણા સમયથી વલસાડમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 48 ઉપર આવેલી કેટલીક ચોક્કસ હોટલ દ્વારા ઓઈલ, ડીઝલ, કેમિકલ સહિત TNT સળીયા વહન કરીને જતી ટ્રેક - ટેન્કરોમાંથી ડ્રાઈવર અને ક્લીનરના મેળાપીપણામાં થોડો માલ ઉતારીને બારોબાર વેચી મરાતું હોવાનું મસમોટુ કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે આ ગોરખધંધામાં સંકળાયેલી શિવશક્તિ નામની હોટલ પરિસરમાંથી આજે આવોજ વેપલો ઝડપાયો છે. વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય ધવલ પટેલએ આજે સાંજે હોટલ પરિસરમાં ચાલતા આ કાળા કારોબારનો વીડિયો ઉતાર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. જોકે ડુંગરી પોલીસના કાર કર્મચારીને જાણ કરવા છતાં લાંબા સમય સુધી પોલીસ પહોંચી નહતી. જેથી ધવલએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યા બાદ કંટ્રોલ તરફથી વર્ધી મળતા ડુંગરી પોલીસે દિલ પર પથ્થર મૂકીને સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી કરવી પડી હતી.

મળતી માહિતી પ્રમાણે ગોરખધંધામાં વગોવાયેલી આ શિવશક્તિ હોટલમાં એક પોલીસ અધિકારી ભાગીદાર છે. જોકે એની સાથે સાથેએ પણ વાત એટલીજ સાચી છે કે છડેચોક ચાલતા આ કૌભાંડની જાણ સ્થાનિક પોલીસને ન હોય એ વાત ગળે ઉતરે એમ નથી. તસવીરમાં જે પરિસરમાં મુકાયેલું કન્ટેનર દેખાઈ રહ્યું છે એજ કન્ટેનરમાં માલની હેરાફેરી થતી હતી અને આ હાઇવેથી માંડ 150 મીટરના અંતરે હશે. ત્યારે તેમ છતાં પેટ્રોલિંગ કરતી પોલીસને આ શા માટે દેખાયું નહતું એ શંકા ઊભી કરે છે. જો પોલીસ આ વાતથી ખરેખર અજાણ હોય તો પોલીસ નબળી હોયએ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જોકે હવે આ મામલામાં ડુંગરી પોલીસે કાર્યવાહી તો કરી છે. પરંતુ માત્ર નીચેના કર્મચારીઓને ભેરવી મામલો રફેદફે કરી દેવામાં આવે છે કે પછી હોટલ માલિકના ગિરેવાન સુધી પોલીસ પહોંચી છે એ જોવું રસપ્રદ બની રહેશે.

(11:47 PM IST)