<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

દસ્ક્રોઈના ભાત ગામમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને મોતને ઘાટ ઉત્તરનાર પતિની ધરપકડ :પત્નીનાં આત્મહત્યાની ખોટી કહાની ઉભી કરી હતી

મૃતક પારૂલ રાવળને ખાટલા પર નિર્વસ્ત્ર હાલતમાં જોતા પોલીસ અચંબામાં પડી ગઈ. બાદ વિક્રમ રાવળની પોલીસની ભાષામાં પુછપરછ કરતા તે ભાંગી પડ્યો અને પત્નીની હત્યાની કબૂલાત કરી

અમદાવાદ:પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતા ઝઘડાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા આખરે તેનું અણધાર્યું પરિણામ આવ્યું છે. પ્રેમલગ્ન કરનાર યુવક યુવતીની વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી નાખી છે, જોકે તેણે પત્નીનાં આત્મહત્યાની ખોટી કહાની પોલીસને જણાવી હતી, પરંતુ પોલીસે તેની કરતૂત પકડી પાડી છે.

પોલીસની કસ્ટડીમાં દેખાતા આ આરોપીનું નામ વિક્રમ રાવળ છે, પોતાની જ પત્નીની હત્યાનાં ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. ગત 11મી સપ્ટેમ્બરનાં રોજ આ શખ્સે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી તેની પત્ની પારૂલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની જાણ કરી હતી. આરોપી અમદાવાદ ગ્રામ્યનાં દસક્રોઈમાં આવેલા ભાત ગામમાં રાવળ વાસમાં રહેતો હોવાથી અસલાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યાં પહોંચતા પોલીસે મૃતક પારૂલ રાવળને ખાટલા પર નિર્વસ્ત્ર હાલતમાં જોતા પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી. જે બાદ વિક્રમ રાવળની પોલીસની ભાષામાં પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પત્નીની હત્યાની કબૂલાત કરી હતી.

આ મામલે પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી વિક્રમ રાવળે પારૂલ સાથે 4-5 વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. જે લગ્નજીવનમાં તેને એક 3 વર્ષની દિકરી અને 5 મહિનાનો દિકરો છે. પારૂલે દિકરાને જન્મ આપ્યા બાદ તે છેલ્લાં 5 મહિનાથી પિયરમાં રહેતી હતી અને ગત 8 સપ્ટેમ્બરનાં રોજ પતિ વિક્રમ રાવળનાં ઘરે ગઈ હતી. બન્ને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા, તેનો પતિ ચારિત્ર્યની શંકા પણ કરતો હતો. ઘટના બની તે દિવસે પણ પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા પતિએ પત્નીનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી નાખી હતી અને બાદમાં તેણે આપઘાત કર્યો હોવાની ખોટી વાત ઉભી કરી હતી.

આ મામલે અસલાલી પોલીસે જ્યારે ઘટના બની તે ઘરની આસપાસનાં લોકોની પુછપરછ કરી ત્યારે અનેક ખુલાસા થયા છે, આરોપી પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી રહ્યો છે કે તેની પત્ની માનસિક બિમાર હતી, જેથી ઝઘડો થયો તે દિવસે તે પોતાની જાતે નિર્વસ્ત્ર થઈ ગઈ હતી, તેવામાં ખરેખર ઘટના બની તે દિવસે શું બન્યું તેને લઈને પોલીસે આરોપીની વધુ પુછપરછ શરૂ કરી છે. તેવામાં પોલીસ તપાસમાં શુ ખુલાસા થાય છે તે આવનાર સમય જ બતાવશે.

(7:26 PM IST)