તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
સુઈગામના જેલાણાના લોકોએ કહ્યું - આવું ક્યારેય નહીં જોયું, બધું તણાઈ ગયું, પશુઓ મર્યા,ખેતી નિષ્ફ્ળ
જેલાણા ગામે હજુ પણ ઘરોમાં પાણી ભરાઈ રહેલા જોવાયા : ગામના લોકો 7 દિવસથી પાણી વચ્ચે જીવી રહ્યા છે ત્રણ ત્રણ દિવસ સુધી પીવાનું પાણી કે ખાવાનું ભાળ્યું નહોતું

બનાસકાંઠાઃ સરહદી વિસ્તારના સુઈગામ તાલુકાના જેલાણા ગામે હજુ પણ ઘરોમાં પાણી ભરાઈ રહેલા જોવા મળી રહ્યાં છે. ગામના લોકો 7 દિવસથી પાણી વચ્ચે જીવી રહ્યા છે. ગામના રોડ રસ્તા ઉપર હજુ પણ પાણી ભરેલા છે ગામમાં જવાના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ છે.
ગામના ઘરોમાં પણ પાણી ભરેલા છે. હજુ પણ લોકો પીવાનું પાણી બહારથી લાવીને પીવે છે. બીજી તરફ હજુ ગામમાં વીજળી આવી નથી. સાત સાત દિવસ થયા પણ હજુ ગામમાં વીજળી ચાલુ નથી થઈ. લોકો અંધારામાં હજુ પણ રાતો વિતાવી રહ્યા છે.
પીવાના પાણી માટે વાવથી બોટલો મંગાવવામાં આવે છે તો જમવાનું પણ વાવથી લાવવામાં આવે છે. સાત દિવસ બાદ પણ હજુ ઘણા ઘરોમાં ચૂલા સળગે તેમ નથી. ઘણા લોકો પોતાના ઘર છોડી અન્ય જગ્યાએ રહેવા પણ મજબૂર છે.
જેલાણા ગામના ગ્રામજનોનું કહેવું છે કે, આવી પરિસ્થિતિ અમે ક્યારેય જોઈ નથી. વર્ષો વીતી ગયા પરંતુ આવો સમય કોઈ દિવસ આવ્યો નથી. ત્રણ ત્રણ દિવસ સુધી પીવાનું પાણી કે ખાવાનું ભાળ્યું નહોતું. લાઈટ વગર અંધારી રાતોમાં ડરામણા દ્રશ્યો જોયા છે. ભારે વરસાદે તો અમારા આ વિસ્તારને ડૂબાડી દીધો છે. અમારી ઘણી વસ્તુઓ તણાઈ ગઈ છે. પશુઓ મરી ગયા છે. ખેતી નિષ્ફળ ગઈ છે. ભારે વરસાદથી ખૂબ મોટું નુકસાન થયું છે
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
