<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

અમદાવાદના વિરાટનગરમાં હત્યા :બ્રિજ નીચે મર્સીડીઝ કારમાંથી પાટીદાર સમાજના અગ્રણીનો મૃતદેહ મળ્યો

મૃતક પાટીદાર અગ્રણી - બિલ્ડર હિંમતભાઇ રૂડાણીના મૃતદેહ પર ધારદાર હથિયારના નિશાન મળ્યા

અમદાવાદ: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વિરાટનગર બ્રિજ નીચેથી મર્સિડીઝ કારમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને લઈને હાલ શહેરમાં ચકચાર મચી જવા પામી છે સાથે જ લોકો નવાઈ પામી ગયા છે. મૃતક વ્યક્તિનું નામ હિંમતભાઈ રુડાણી હોવાનું સામે આવ્યું છે. તેઓ એક બિલ્ડર હતા. સાથે જ હિંમતભાઈ પાટીદાર સમાજના અગ્રણી હોવાનું પણ સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતા જ ઓઢવ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તેમણે આ મામલે તપાસ હાથ ધરી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે હિંમતભાઈના મૃતદેહ પર ધારદાર હથિયારના નિશાનો મળી આવ્યા છે. જેથી આ સમગ્ર મામલે એવી આશંકા સેવાઈ રહી છે કે હિંમતભાઈની હત્યા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં ગતરોજ આવો જ એક બનાવ સામે આવ્યો હતો. શહેરના પાલડી વિસ્તારમાં સરાજાહેર એક હત્યાનો બનાવ બન્યો હતો.  6 થી 7 લોકો એક યુવક પર જીવલેણ હુમલો કરીને તેના પર ગાડી ચઢાવી દીધી હતી. વહેલી સવારે આ બનાવ બન્યો હતો. પાલડી વિસ્તારના ચંદ્ર વિસામાં ફ્લેટમાં રહેતા નેસલ ઠાકોર નામના યુવકની હત્યા કરવામાં આવી હતી.

(12:20 AM IST)