તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 14th September 2025
ભારત-પાક. મેચને લઈ અમદાવાદથી લઇ પોરબ઼દર સુધી ક્રિકેટ પ્રેમી ઓમાં રોષઃ પૂર્વ રણજી ખેલાડીએ પણ મેચનો કર્યો વિરોધ
અમદાવાદના જીએમડીસી સ્ટેડીયમની બહાર ક્રિકેટ પ્રેમીઓએ સુત્રોચ્ચાર કર્યાઃ પૂર્વ રણજી ખેલાડી રાજેન્દ્રસિંહ જાડેજાએ મેચનો વિરોધ કરતાં કહ્યું આઇસીસી અને બીસીસીઆઇ રૂપિયાની લાલચમાં મેચ રમાડે છે

અમદાવાદઃ સામાન્ય રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ચર્ચા અને રોમાંચનું કેન્દ્ર રહી છે, પરંતુ આ વખતે મેચ પહેલાં જ મેચનો વિરોધ થઈ રહ્યો છે. દેશભરમાં પાકિસ્તાન સામે મેચ રમાવા સામે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદથી લઈને પોરબંદર સુધી ક્રિકેટપ્રેમીઓએ પાકિસ્તાન સામે રમાનારી મેચનો વિરોધ શરૂ કર્યો છે. આતંકીઓને સપોર્ટ કરતાં દેશ સાથે ક્રિકેટ મેચ ન રમવાની લોકોની માંગ છે.
અમદાવાદના GMDC સ્ટેડિયમમાં ક્રિકેટ ચાહકોએ વિરોધ દર્શાવ્યો હતો. ત્યાં પાકિસ્તાન વિરોધી નારા ગુંજ્યા હતા. અમદાવાદના GMDC સ્ટેડિયમમાં ક્રિકેટ ચાહકોએ એશિયા કપમાં આજે રમાનારી ભારત-પાકિસ્તાન મેચ સામે વિરોધ દર્શાવ્યો હતો. ક્રિકેટ ચાહકોએ GMDC સ્ટેડિયમમાં પાકિસ્તાન વિરોધી નારા લગાવ્યા. સ્ટેડિયમમાં પાકિસ્તાન હાય હાયના નારા લગાવ્યા. ક્રિકેટ ચાહકોએ પાકિસ્તાન સામે મેચ ન રમવાની માગ કરી. તેમણે કહ્યું કે - આતંકીઓને સપોર્ટ કરતાં દેશ સાથે મેચની શું જરૂર? આજે ભારત-પાકિસ્તાન મેચ ન યોજાવી જોઈએ. ક્રિકેટ પ્રેમીઓએ એમ પણ કહ્યું કે બધા જ મેચનો વિરોધ કરી રહ્યા છે, પણ મેચ રદ નથી થઈ.
તો બીજી તરફ પોરબંદરમાં પણ આ મેચ સામે વિરોધનો માહોલ જોવા મળ્યો છે. અહીંના ક્રિકેટ રસિકો તેમજ પૂર્વ ક્રિકેટરો ખુલ્લેઆમ આ મેચ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પૂર્વ રણજી ખેલાડી રાજેન્દ્રસિંહ જાડેજાએ પણ પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાનો વિરોધ કર્યો છે. લોકોએ મેચનો વિરોધ કરતા જણાવ્યું કે પહેલગામના હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ. પહેલગામમાં 27 લોકોની કરપીણ હત્યાને ભારતીયો હજુ ભૂલી નથી શક્યા.
તો પૂર્વ રણજી ખેલાડી રાજેન્દ્રસિંહ જાડેજાએ પણ મેચનો વિરોધ કરતા જણાવ્યું કે ICC અને BCCI રૂપિયાની લાલચમાં બીજા દેશમાં ભારત-પાકની મેચ રમાડે છે. LOCના પ્રશ્નનું સમાધાન ન થાય ત્યાં સુધી ભારતે પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ. તેમણે કહ્યું,
"જયારે પહેલગામમાં હુમલો થયો, આતંકીઓએ 27 લોકોની કરપીણ હત્યા કરી દીધી, એને જ યાદ રાખીને આપણે પણ પાકિસ્તાન સામે લડાઈ લડીએ. હાલમાં ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર છે, જેઓ પૂર્વ સાંસદ પણ છે. તેમણે પણ એવું નિવેદન આપ્યું હતું કે જ્યાં સુધી ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સ્થિર ન થાય, LOCના પ્રશ્નનું સમાધાન ન થાય, ત્યાં સુધી ભારતે પાકિસ્તાન સામે ક્રિકેટ ન રમવી જોઈએ. ત્યારે હવે દુબઈમાં મેચ યોજાઈ છે, એશિયા કપના નામે એ ખોટું છે."
UAEમાં ચાલી રહેલા એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાવાની છે ત્યારે સમગ્ર ભારતમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ નહીં રમવા માટે વિરોધનું વંટોળ ઉપડ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદોમાં એશિયા કપ પણ સામેલ થઈ ગયો છે અને ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારત પાકિસ્તાન મેચનો વિરોધે જોર પકડ્યું છે અને જ્યાં સુધી ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધો સ્થિર ન થાય ત્યાં સુધી ભારતે પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ ન રમવી જોઈએ તેવું ક્રિકેટ પ્રેમીઓ જણાવી રહ્યા છે.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
