News of Sunday, 14th September 2025
બનાસકાંઠાના સુઈગામમાં અગરિયાઓ પર આભ ફાટ્યું: ભારે વરસાદથી ૮૦% મીઠાના ઉત્પાદનને નુકસાન, લાખો ટન ઉત્પાદન અટકાશે

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદે મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો અગરિયા પરિવારોની કમર તોડી નાખી છે. રણમાં દરિયા જેવું પાણી ફરી વળતા ૮૦% થી વધુ મીઠાના ઉત્પાદનને નુકસાન થયું છે, જેના કારણે આગામી ત્રણ મહિના સુધી મીઠાનું ઉત્પાદન બંધ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. અગરિયાઓએ સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે.
વિગતે જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામ તાલુકામાં કુદરતી આફત ત્રાટકી છે. છેલ્લા ત્રણ દિવસથી સતત પડેલા ભારે વરસાદના કારણે રણ પ્રદેશમાં દરિયા જેવું પાણી ભરાઈ ગયું છે, જેના પરિણામે મીઠા પકવતા હજારો અગરિયા પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
માધવપુરા અને બોરુ મસાલી ગામો સહિત સુઈગામ વિસ્તારમાં ૫,૦૦૦ થી વધુ અગરિયા પરિવારો મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. આ વરસાદી પાણી મીઠાના અગરોમાં ફરી વળતા ૮૦% થી વધુ મીઠાની ખેતીને વ્યાપક નુકસાન થયું છે. આ વિસ્તારમાં મોટાભાગના લોકો મીઠાના વ્યવસાય પર જ નિર્ભર છે, ત્યારે આ નુકસાનથી તેમની આજીવિકા જોખમમાં મુકાઈ ગઈ છે.
મીઠું પકવતા પરિવારો જણાવી રહ્યા છે કે, ભારે વરસાદને કારણે અગરોમાં પાણી ભરાઈ ગયું છે અને આગામી ત્રણ મહિના સુધી મીઠાનું ઉત્પાદન બંધ થઈ જશે. જેના કારણે લાખો ટન મીઠાનું ઉત્પાદન ગુમાવવું પડશે અને અગરિયાઓને આર્થિક રીતે મોટો ફટકો પડશે.
આ પરિસ્થિતિને જોતા મીઠું પકવતા અગરિયાઓએ ગુજરાત સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. તેમણે માંગ કરી છે કે, સરકાર તાત્કાલિક ધોરણે આ વિસ્તારની મુલાકાત લે અને અસરગ્રસ્ત પરિવારો માટે યોગ્ય સહાય જાહેર કરે. મીઠા ઉદ્યોગ પર નિર્ભર હજારો પરિવારો માટે આર્થિક સંકટ ટાળવા માટે સરકારી હસ્તક્ષેપ અનિવાર્ય બન્યો છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
