<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

ભરચોમાસે પાણીની વિકટ સમસ્યા:સાબરકાંઠાની વડાલી પાલિકા કચેરીનો રોષે ભરાયેલી મહિલાઓએ ઘેરાવ કર્યો

૬૨ ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવા છતાં છેલ્લા 10 દિવસ કરતા વધુ સમયથી પાણી મળતું નથી

સાબરકાંઠા જિલ્લાની વડાલી નગરપાલિકામાં ચોમાસાની મધ્યે જ પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. ૬૨ ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવા છતાં, છેલ્લા 10 દિવસ કરતા વધુ સમયથી અહીંના સ્થાનિકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. પાણી ન મળવાને કારણે રોષે ભરાયેલી મહિલાઓ અને સ્થાનિકોએ નગરપાલિકા કચેરીનો ઘેરાવ કર્યો અને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.

સાબરકાંઠાના વડાલી નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 10 દિવસ કરતાં પણ વધુ સમયથી પાણી મળતું નથી. ભરચોમાસે પણ પાણી માટે વલખાં મારતા સ્થાનિકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. ૬૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોવા છતાં, પીવાના પાણીની અછતને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે સવારે રોષે ભરાયેલી મહિલાઓ અને સ્થાનિક યુવાનોએ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરીનો ઘેરાવ કર્યો. મહિલાઓએ સૂત્રોચ્ચાર કરીને તંત્ર સામે ભારે વિરોધ પ્રદર્શન કર્યું. દસ દિવસથી પાણી ન મળવાને કારણે ઘરકામ, કપડાં અને વાસણ જેવી દૈનિક જરૂરિયાતો માટે પણ પાણી ઉપલબ્ધ ન હોવાથી મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન, વિરોધ કરી રહેલા લોકોને સાંભળવાને બદલે અધિકારીઓ અને સત્તાધીશો કચેરી છોડીને નાસી છૂટ્યા હતા, જેના કારણે લોકોનો રોષ વધુ ભડક્યો હતો. પોલીસે પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે કચેરીનો મુખ્ય ગેટ બંધ કરી દીધો હતો.

સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે, પરંતુ આ વખતે ધરોઈ જળાશયમાંથી સાબરમતી નદીમાં છોડાઈ રહેલા પાણીને કારણે વડાલીને મળતો પાણીનો સપ્લાય બંધ થયો છે. ધરોઈ ડેમમાંથી છેલ્લા પંદર દિવસથી પાણી છોડાઈ રહ્યું હોવાથી પાઇપલાઇનને નુકસાન પહોંચ્યું છે, અને તેના સમારકામમાં ચારથી પાંચ મહિનાનો સમય લાગી શકે છે. આ પરિસ્થિતિમાં વડાલી નગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો પાણીનો સંપ હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં તંત્ર તરફથી કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવ્યાં નથી. સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેમને યોગ્ય જવાબ મળ્યો નથી. વૃદ્ધો અને મહિલાઓને ભારે મુશ્કેલી પડી રહી છે અને ધંધા-રોજગાર પર પણ અસર પડી રહી છે. જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ ન આવે નગરપાલિકાના સત્તાધીશો અને તેમની કામગીરી સામે આ વિરોધ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

 

(7:11 PM IST)