તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 15th September 2025
ગુજરાતી નાટકોના દિગ્ગજ કલાકાર સંજય ગોરડીયાને હ્રદયમાં સ્ટેન્ડ બેસાડ્યું : હોસ્પિટલમાંથી રજા અપાઈ
તેમણે વિડિઓ શેર કરીને કહ્યું હ્ર્દયની બરાબર વચ્ચોવચ્ચ એક સ્ટેન્ટ ડોક્ટરે બેસાડ્યું છે અને ચાર પાંચ દિવસમાં તો હું એકદમ હરતો ફરતો થઇ જઇશ

ગુજરાતી નાટકો અને ફિલ્મોના દિગ્ગજ કલાકાર સંજય ગોરડીયાને હ્રદય સંબંધિત બિમારી માટે તાજેતરમાં કોકીલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમની એન્જીયોગ્રાફી કરાઇ હતી અને તેમને હ્રદયમાં એક સ્ટેન્ટ મુકવામાં આવ્યું છે. આ માહિતી તેમણે જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં વીડિયો શેર કરીને આપી હતી. તેમને હવે હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે
નાટકોમાં અને ફિલ્મોમાં લોકોને ખડખડાટ હસાવનારા સંજય ગોરડીયાને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે પણ તેમણે હોસ્પિટલના બિછાનેથી પણ હળવા મૂડમાં જ વીડિયો જાહેર કરીને પોતાને હ્રદય સંબંધીત સારવાર માટે હોસ્પિટલમાં લવાયા છે તેની જાણકારી આપી હતી જેથી ફેન્સમાં ચિંતા પ્રસરી ગઇ હતી.
જો કે આજે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફરી વીડિયો જાહેર કર્યો છે તેમાં તે એકદમ હળવા મૂડમાં લાગી રહ્યા છે. સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે અને તેમણે તેમના ઘરમાં જ હળવા અંદાજમાં ફરીથી વીડિયો જાહેર કરીને પોતાની હેલ્થ અપડેટ આપી છે.
વીડિયોમાં તેઓ કહે છે કે હાય મિત્રો..એકદમ સ્વસ્થ અને મસ્ત થઇને હોસ્પિટલમાંથી ઘેર આવી ગયો છું. હ્રદયની બરાબર વચ્ચોવચ્ચ એક સ્ટેન્ટ ડોક્ટરે બેસાડ્યું છે અને ચાર પાંચ દિવસમાં તો હું એકદમ હરતો ફરતો થઇ જઇશ અને મને કામ કરવાની છુટ મળી જશે. એટલે તુરત જ હું મારુ નવુ નાટક ઘેલાભાઇ ઘુઘરાવાળાના રીહર્સલમાં લાગી જઇશ. હવે એ નાટક પાંચમી ઓક્ટોબરે સાંજે સાડા સાત કલાકે નહેરુ ઓડિટીરીયમ ખાતે રિલીઝ થવાનું છે તો બધા ફટાફટ જોવા માટે આવી જજો હો..
તેમણે વીડિયોમાં એમ પણ કહ્યું કે ...અને હા..24મી તારીખે હું નવસારી આવી રહ્યો છું. નવસારીના સૌથી મોટા ગરબામાં હું ચીફ ગેસ્ટ તરીકે આવી રહ્યો છું. તમારા બધા સાથે ગરબે ઘુમવા માટે..ઓકે...તો ત્યાં પણ આપણે મળીશું અને હા નવસારી પહોંચીને ત્યાં ચણા દાણામાં જઇને જાત જાતના બધા સિંગ ચણા ને બધુ લઇશ. ડીપ ફ્રાઇની મને ના પાડી છે પણ પેટીસ એકાદી તો ખવાય ને તો મળીશું..તમારા બધાની દુઆઓ કામે લાગી ગઇ છે. લાખો મેસેજીસ મને આવ્યા આમ તો બધાના મેસેજીસના જવાબ આપતો હોઉં છું...એટલીસ્ટ લાઇક તો કરતો જ હોઉં છું પણ એટલા બધા મેસેજ છે કે પર્સનલી જવાબ આપવો શક્ય નથી. પણ આ વીડિયોના માધ્યમથી હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું..થેંક્યુ..સો મચ.. આ રીતે જ મને પ્રેમ કરતા રહેજો.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
