News of Wednesday, 17th September 2025
નોરતામાં પ્રદેશ ભાજપ પ્રમુખ જાહેર? ત્યારબાદ મંત્રી મંડળ વિસ્તરણ
નવા પ્રમુખ તરીકે ઝડફિયા, બોધરા, પ્રદીપસિંહ, દુષ્યંત પટેલના નામ ચર્ચામાં: ખાબડ-પરમારનું મંત્રી પદ જશે : રાજકોટમાંથી ઉદય કાનગડને મંત્રી પદની શકયતાઃ મુખ્યમંત્રી સિવાયના બધા મંત્રીઓ નવા આવી શકેઃ ૨૦૨૭માં ૧૮૦ના બદલે ૨૪૦ ધારાસભ્યો થવાનું સંભવ થવાનું સંભવ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા.૧૭: પંદરમી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર ગત સપ્તાહમાં પૂર્ણ થયું આવનાર નવરાત્રી સમય દરમ્યાન ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તેવી પૂરે પુરી શકયતાઓ દેખાય છે. આગામી એક સપ્તાહમાં ભાજપ પક્ષની બેઠક મળનાર હોવાની વાત ચર્ચામાં આવી છે.
પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદ મંત્રી મંડળ વિસ્તરણની કામગીરી ભાજપ હાઈકમાન્ડ દ્વારા હાથ ધરવામાં આવશે. તેમ રાજકીય વર્તુળમાં ચર્ચામાં આવી છે. ટૂંક સમયમાં વર્તમાન સરકારને ત્રણ વર્ષનો સમય થવા આવ્યો છે. ડિસેમ્બર ૨૦૨૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે.
ડીસેમ્બર ૨૦૨૭ ની ચૂંટણીમાં આ વખતે ૧૮૨ ધારાસભ્યોની જગ્યાએ ૨૪૦ સભ્યો થાય તેવી પૂરે પુરી શકયતાઓ છે. આ સભ્યો માટે નવા સદસ્ય નિવાસ બનાવવામાં આવી રહયા છે.
નવા પ્રદેશ પ્રમુખમાં ગોરધન ઝડફીયા, પ્રદીપસિંહ જાડેજા, ભરત બોધરા, દુષ્યંત પટેલ વગેરે નામો ચર્ચામાં આવી રહયા છે. વર્તમાન મંત્રી મંડળમાંથી સૌ પ્રથમ મનરેગા પ્રકરણમાં મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, ભીખુસિંહ પરમાર બાદ થાય અને રાજકોટમાંથી ઉદય કાનગડનો સમાવેશ થાય તેવા અહેવાલો પણ મળી રહયા છે.
ઉપરાંત મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓ નવા આવે તેવી પણ એક વાત રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. હવે જેમ જેમ સમય જાઈ છે તેમ તેમ પક્ષની અંદર નારાજગીનું મોજુ ચાલી રહયું છે. વર્તમાન મંત્રી મંડળની વહીવટી કામગીરીથી ખુદ ભાજપના જ ઘણા ધારા સભ્યો અને કાર્યકરોમાં નારાજગી દેખાઈ રહી છે. પરિણામે કેટલાક ધારાસભ્યો એ સચિવાલય આવવાનું પણ બંધ કર્યુ છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
