તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 17th September 2025
ચાર જુવાનિયાઓએ મળીને ગુરુને છરીના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા
રેલવે સ્ટેશન પરથી ચારેય પકડાયાઃચાર આરોપીઓએ ભાઈની જ હાજરીમાં જ ભોગબનનારને છરીના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢીને મોતને ઘાટ ઉતારી દીધા

સુરત,તા.૧૭
સુરતઃ ક્રાઈમ સિટી સુરતમાં ગઈકાલે અમરોલી વિસ્તારમાં થયેલા એક ક્રૂર હત્યા કેસના ચારેય આરોપીઓને પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં સુરત રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ ગુજરાત રાજ્યની હદ છોડીને ભાગી જવાની તૈયારીમાં હતા, પરંતુ પોલીસે સચોટ માહિતીના આધારે તેઓને કાબૂમાં લઈ લીધા છે. પકડાયેલા ચારેય આરોપીઓની ઉંમર ૧૯થી ૨૫ વર્ષ હોવાનું સામે આવ્યું છે, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને અહીં સુરતમાં અમરોલી વિસ્તારમાં રહીને છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. ત્યારે આટલી યુવા વયે આ યુવકોએ આ રીતે કેમ ક્રૂર હત્યા કરી ચાલો વિગતવાર જાણીએ.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ, ગઈકાલે તા. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫ની રાત્રે અંદાજે ૯ વાગ્યાના સમયે સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ શ્રીરામનગર હાઉસિંગ બોર્ડ પાસે ફરિયાદી અમરનાથ ઉર્ફે પ્રદ્યુમન શિવસાગર સોની અને તેનો ભાઈ ગુરુ શિવસાગર સોની (ઉ.વ. ૨૬) ઊભા હતા ત્યારે કોઈ કારણસર આરોપી અભિષેકકુમાર શેરબહાદુરકુમાર સાથે ઝપાઝપી થઈ હતી. વાતચીત સમજાવવા માટે ફરિયાદી અને તેનો ભાઈ વચ્ચે આવ્યા ત્યારે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ અને જેના પરિણામે ગુરુ સોનીને જીવ ગુમાવવો પડ્યો હતો.
ફરિયાદ અનુસાર, આરોપી સૂર્યપ્રકાશ ઉર્ફે શાહુ, કિશન ગૌતમ અને કરણ ગૌતમ સાથે મળી અભિષેકે મૃતક ગુરુને ઘેરી લીધો હતો અને આ ચારેય આરોપીઓએ ગુરુ પર તાબડતોબ હુમલો કરી ગંભીર મારપીટ કરી હતી. આ દરમિયાન કરણ ગૌતમે છરી વડે ગુરુના પેટમાં ઘા મારી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. ગંભીર રીતે ઘાયલ ગુરુને બચાવી શકાયા ન હતા અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. જે બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ઘટના બાદ ફરિયાદ આધારે અમરોલી પોલીસ સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો રચવામાં આવી હતી. દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ તથા માનવ સૂત્રોની મદદથી પોલીસે આરોપીઓના હલનચલન અંગે માહિતી મેળવી હતી. ત્યારે વિશ્વસનીય સૂત્રો પરથી ખબર પડી કે ચારેય આરોપીઓ સુરત રેલવે સ્ટેશન પરથી રાજ્યની બહાર ભાગવાની તૈયારીમાં હતા. જોકે પોલીસે ગોપનીય રીતે રેલવે સ્ટેશન પર નેટ પાથરી સફળતાપૂર્વક ચારેય આરોપીઓને પકડી પાડ્યા છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
