<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

તીર્થ ધામ બહુચરાજીનેથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો

સરકારે સત્તાવાર જાહેરાત કરીઃઆ નોટિફિકેશન પ્રમાણે મહેસાણા જિલ્લાના બેચર-બહુચરાજી ગ્રામ પંચાયતને આજથી નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે

મહેસાણા,તા.૧૭

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ તીર્થ ધામ બહુચરાજી ગામને નગરપાલિકાનો દરજ્જો આપવા માટે કવાયત હાથ ધરાઈ હતી. આ દરમિયાન ગામ લોકોએ બહુચરાજીને ગ્રામ પંચાયત રાખવા માટે સરકાર સામે બાંયો ચઢાવી હતી. પરંતુ હવે બહુચરાજી ગામને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આજથી બહુચરાજી ગામ નગરપાલિકા તરીકે અસ્તિત્વમાં આવશે. રાજ્ય સરકારે આ માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશન પ્રમાણે મહેસાણા જિલ્લાના બેચર-બહુચરાજી ગ્રામ પંચાયતને આજથી નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ હેઠળ રાજ્ય સરકારે બહુચરાજી ગામને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. આજથી જ બહુચરાજી નગરપાલિકા અસ્તિત્વમાં આવશે. બહુચરાજીમાં યાત્રાધામ અને સુઝુકી સહિતની કંપનીઓ હોવાથી તેને નગરપાલિકાનો દરજ્જો આપવો જરૃરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

બહુચરાજી ગામની આસપાસના વિસ્તારોમાં ઓદ્યોગિકરણનો વિકાસ થતાં રાજ્ય સરકાર દ્વારા ગામને નગરપાલિકાનો દરજ્જો આપવા કવાયત હાથ ધરી હતી. અગાઉ મહેસાણા જિલ્લા કલેક્ટરે મામલતદારને બહુચરાજી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવા માટેની દરખાસ્ત તૈયાર કરીને મોકલી આપવા સૂચના આપી હતી.

 જેથી મામલતદારે ગ્રામ પંચાયતના વહિવટદારને વાંધા અને સંમતિ માટેના ઠરાવની નકલો મોકલી આપવા માટે આદેશ કર્યો હતો. આ આદેશ અંતર્ગત ગ્રામ સભામાં ગ્રામજનોએ નગરપાલિકાનો વિરોધ કરી ગ્રામ પંચાયત રાખવા માટે વિરોધ કર્યો હતો. પરંતુ આખરે સરકારે નોટિફિકેશન જાહેર કરીને બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો આપી દીધો છે. આજથી જ બહુચરાજી નગરપાલિકા અસ્તિત્વમાં આવશે.

(10:41 PM IST)