તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th September 2025
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : બોર્ડ-નિગમના હજારો પેન્શનરોને મોટી રાહત, લઘુત્તમ પેન્શન રૂ.૯,૦૦૦ કરાયું

ગાંધીનગર : રાજ્ય સરકારે જાહેર સાહસો (બોર્ડ-કોર્પોરેશન) માંથી નિવૃત્ત થયેલા હજારો પેન્શનરોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે પેન્શનરોને સાતમા પગારપંચ મુજબ લઘુત્તમ પેન્શન કરતાં ઓછી રકમ મળતી હતી, તેમને હવે માસિક ઓછામાં ઓછું ?૯,૦૦૦ પેન્શન મળશે. નાણા વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.
સરકારના આ નિર્ણયથી એવા કર્મચારીઓને સીધો ફાયદો થશે જેઓ રાજ્ય સરકારની સેવામાંથી કાયમી ધોરણે બોર્ડ કે કોર્પોરેશન જેવા જાહેર સાહસોમાં સમાવિષ્ટ થયા હતા અને હાલ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. લાંબા સમયથી પેન્શનરો દ્વારા કરવામાં આવી રહેલી રજૂઆતો તેમજ કેન્દ્ર સરકારના સમાન નિર્ણયને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ વિષયને વિચારણા હેઠળ લીધો હતો.
નાણા વિભાગ દ્વારા જારી કરાયેલા ઠરાવ મુજબ, આ એબ્સોર્બ પેન્શનરોને તા. ૦૧ ઓક્ટોબર, ૨૦૨૫ની અસરથી માસિક લઘુત્તમ રૂ.૯,૦૦૦ પેન્શન ચૂકવવામાં આવશે. ઠરાવમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ તારીખ પહેલાના સમયગાળા માટે આ લાભ ‘નોશનલ' ગણવામાં આવશે, જેનો અર્થ છે કે અગાઉના સમયનું કોઈ એરિયર્સ ચૂકવવામાં આવશે નહીં.
ગુજરાતના રાજ્યપાલના હુકમથી બહાર પાડવામાં આવેલા આ ઠરાવની નકલ રાજ્યના તમામ સંબંધિત વિભાગો, ખાતાના વડાઓ, તિજોરી અધિકારીઓ અને એકાઉન્ટન્ટ જનરલની કચેરીઓને મોકલી આપવામાં આવી છે, જેથી તેનો સત્વરે અમલ થઈ શકે. સરકારના આ નિર્ણયથી નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
