<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

છોટાઉદેપુરની શાળામાં શિક્ષકો પાસે લાખો રૂપિયાની લાંચ માગવાનો ગંભીર આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવતા ખળભળાટ

શાળાનાં આચાર્ય, નગરપાલિકાનાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અધિકારીઓ સામે ધોરણ 9 થી 12 ના નવા નિમાયેલા શિક્ષકો પાસે પૈસાની માગણી કરાય રહી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો

છોટા ઉદેપુર તા.૧૮

છોટાઉદેપુરની શાળામાં શિક્ષકો પાસે લાખો રૂપિયાની લાંચ માગવાનો ગંભીર આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા  અને શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો છે. નગરપાલિકા સંચાલિત એસ.એફ. હાઇસ્કૂલનાં  આચાર્ય, નપા પ્રમુખ-ઉપપ્રમુખ તથા અધિકારીઓએ શિક્ષકોને નોકરીની ધમકી આપી લાંચ મંગાયાનો ગંભીર આરોપ થયો છે. આ મામલે શિક્ષકોએ સરકાર પાસે તાત્કાલિક પોલીસ રક્ષણ આપવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

છોટાઉદેપુરમાં નગરપાલિકા સંચાલિત એસ.એફ. હાઇસ્કૂલ વિવાદમાં સપડાઈ છે. શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા શાળાનાં આચાર્ય, નગરપાલિકાનાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અધિકારીઓ સામે ધોરણ 9 થી 12 ના નવા નિમાયેલા શિક્ષકો પાસે પૈસાની માગણી કરાય રહી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ સાથે શિક્ષકોને નોકરીની ધમકી અપાઈ લાંચ માગી હોવાનો અને ફિક્સ પે માંથી કાયમી થવાની ફાઈલ અટકાવવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

 

 

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને શિક્ષકોએ આરોપ લગાવ્યો કે, નાણાં ન આપ્યા તો ગંભીર આક્ષેપ લગાવી સસ્પેન્ડ કરવાની અને અપડાઉનની છૂટ તેમ જ હક રજા પણ વાપરવા નહીં દેવાય તેવી ધમકી આપવામાં આવી રહી છે. તેમનો એવો પણ આરોપ છે કે, આ મામલે અગાઉ શિક્ષકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પરંતુ તેમ છતાં પગલાં લેવામાં આવ્યા નથી. પુરાવા તરીકે તેમની સાથે થયેલી વાતચીતનો 45 મિનિટનો ઓડિયો હોવાનું પણ શિક્ષકોએ જણાવ્યું છે. ષડયંત્રમાં સંડોવાયેલા આચાર્ય, નપા પ્રમુખ-ઉપપ્રમુખ અને અધિકારીઓ સામે તપાસની માગ કરાઈ છે. સાથે જ શિક્ષકોએ સરકાર પાસે તાત્કાલિક પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી પણ માગ કરાઈ છે.

(4:32 PM IST)