<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

ગુજકોસ્ટ રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0 લૉન્ચ કરશે: આ વર્ષે દેશભરમાંથી 20.00 લાખથી વધુ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કરાવવાનો લક્ષયાંક

વિદ્યાર્થીઓને 1.5 લાખ સુધીની STEM શિષ્યવૃત્તિ અને 2.00 કરોડ રૂપિયાના ઇનામો મેળવવાની તક મળશે

અમદાવાદ :ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) ભારતમાં સૌથી મોટા અને સૌથી મહત્વાકાંક્ષી વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્વિઝ કાર્યક્રમ: રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0 - નવી પેઢીની નવી સફર શરૂ કરવાની જાહેરાત કરે છે. રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0 માટે નોંધણીની પ્રક્રિયા 19 સપ્ટેમ્બર 2025 થી શરૂ થશે.

GUJCOST 2022 થી ગુજરાત STEM ક્વિઝનું આયોજન કરી રહ્યું છે. ક્વિઝની ત્રીજી આવૃત્તિ - ગુજરાત STEM ક્વિઝમાં દેશભરના વિવિધ બોર્ડ અને રાજ્યોના 10,12,539 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. આ ક્વિઝની રાષ્ટ્રીય લોકપ્રિયતા અને આઉટરીચને જોતા, GUJCOST એ આ ચોથી આવૃત્તિથી તેનું નામ બદલીને રાષ્ટ્રીય STEM ક્વિઝ રાખ્યું છે.

વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની કુશળતા વિકસે તે હેતુસર ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે રચાયેલ રાષ્ટ્રીય STEM ક્વિઝ 3.0 એક અનોખું મંચ પૂરું પાડે છે, જ્યાં યુવા મન ક્વિઝ આધારિત અભ્યાસ સાથે જોડાઈ શકે. આ પહેલ માત્ર STEM વિષયોમાં તેમનું જ્ઞાન મજબૂત બનાવે એટલું જ નહીં, પરંતુ આપણા દેશના ભવિષ્યના નેતાઓ અને નવીનતા લાવનારાઓ તરીકે તેમને તૈયાર પણ કરે છે.

આ વર્ષે ક્વિઝ બે સ્તરે યોજાશે – જુનિયર લેવલ (ધોરણ 9 અને 10) અને સિનિયર લેવલ (ધોરણ 11 અને 12). દેશભરના તમામ માધ્યમ અને તમામ બોર્ડના વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0 માં ભાગ લઈ શકશે.

રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0 પ્રોગ્રામનું લૉન્ચિંગ તા. 19 સપ્ટેમ્બર, 2025 (શુક્રવાર) ના રોજ બપોરે 1:00 વાગ્યે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગ (DST), કોન્ફરન્સ હોલ, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે યોજાશે. આ ક્વિઝનું લૉન્ચિંગ સુશ્રી પી. ભારતી, IAS, સચિવશ્રી, DST, ગુજરાત સરકાર દ્વારા કરાશે. લૉન્ચિંગ બાદ દેશભરના વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરી શકશે. રજીસ્ટ્રેશન માટેની વેબસાઈટ www.stemquiz.gujarat.gov.in રહેશે.

આ પ્રસંગે શ્રીમતી પી. ભારતી, IAS, સચિવશ્રી, DST, ગુજરાત સરકાર એ જણાવ્યું કે રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0 વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા વિકસાવવાનું અને યુવા મનને ઘડવાનું આદર્શ મંચ છે. આ ક્વિઝમાં જોડાવાથી વિદ્યાર્થીઓનું STEM પ્રત્યેનું જ્ઞાન તથા રુચી વધશે, તેમજ આવનારી પેઢીમાં ક્રિટિકલ થિંકિંગ જેવી કુશળતાઓ વિકસશે. સમગ્ર ભારતના વિદ્યાર્થીઓને આ વિશાળ અને સમૃદ્ધ મંચ ઉપલબ્ધ કરાવતાં અમને ગૌરવની અનુભૂતિ થાય છે.

GUJCOST ની આ ક્વિઝ માટે સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર-ઈસરો (SAC-ISRO); ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), મુંબઈ; ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર જેવા અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે નોલેજ પાર્ટનર તરીકેનો જોડાયેલ છે, જ્યાં વિદ્યાર્થીઓને વિવિધ મુલાકાતો લેવાની તક મળશે. ગુજરાત સાયન્સ સિટી વેન્યુ પાર્ટનર તરીકે, ડીડી ગિરનાર મીડિયા પાર્ટનર તરીકે અને ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) ટેક્નોલોજી પાર્ટનર તરીકે આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કાર્યક્રમ સાથે જોડાયેલા છે.

રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0 વિદ્યાર્થીઓ માટે પરિવર્તનકારી અનુભવ સાબિત થશે, જે તેમને વૈજ્ઞાનિક રીતે જાગૃત અને માહિતગાર અને આવતીકાલની પડકારોને પહોંચી વળવા માટે સમસ્યા ઉકેલવાની કુશળતાઓથી સજ્જ બનાવશે. આ ક્વિઝને દેશભરના વિવિધ શિક્ષણ સંસ્થાઓમાંથી વ્યાપક પ્રતિસાદ મળવાની અપેક્ષા છે, જે તેના પ્રભાવ અને પહોંચને વધુ  વિસ્તૃત કરશે 

(9:38 PM IST)