News of Thursday, 18th September 2025
ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર ગુના આચરનાર ચાઈનીઝ ગેંગને ચૂનો લગાડનાર બે ભેજાબાજ પોલીસ સકંજામાં
સુપ્રીમ કોર્ટનું નકલી સમન્સ મોકલી 86.22 લાખ રૂપિયાની છેતરપિંડી કેસમાં મોટો ખુલાસો

અમદાવાદ શહેર સાયબર ક્રાઇમે બનાવટી કંપનીના નામે સીમ કાર્ડ ખરીદીને ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર ગુના આચરનાર ચાઈનીઝ ગેંગને તે સીમકાર્ડ પુરા પાડનાર આરોપીઓને પકડી પાડ્યા છે. સાયબર ક્રાઇમમાં થોડા સમય પહેલા ડિજિટલ અરેસ્ટનો ગુનો દાખલ થયો હતો. જેમાં ફરિયાદીને ફોન કરી તેઓના બેન્ક ખાતાનો ઉપયોગ મનીલોન્ડરિંગમાં થયો હોય તેવું કહી સુપ્રીમ કોર્ટનું નકલી સમન્સ મોકલી 86.22 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. જે કેસમાં ફરિયાદીને જે મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો, તેની તપાસ કરતા તે નંબર મહારાષ્ટ્રની સ્ટાર મલ્ટી સોલ્યુશન નામની કંપનીના નામે રજીસ્ટર થયો હોવાની હકીકત સામે આવી હતી.
આ કંપની ઋષિકેશ હસુરકર અને સુરેશ ગુડિમ દ્વારા ઊભી કરવામાં આવી હતી. જે બંને આરોપીઓ સાયબર ક્રાઇમના ગુનામાં પન્ના ડિસ્ટ્રિક્ટ જેલ ખાતે હોવાનું જાણવા મળતા બંનેની ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી મેળવી સાયબર ક્રાઈમે મેળવી હતી. આરોપીની તપાસમાં આવ્યું કે તેમના દ્વારા સ્ટાર મલ્ટી સોલ્યુશન તેમજ હસુરકર વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ઈકીયન મલ્ટી મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ જેવી બોગસ કંપનીઓ ઊભી કરવામાં આવી હતી. જે કંપનીના નામે 550 જેટલા સીમકાર્ડ ખરીદવામાં આવ્યા હતા.
આ કેસના મુખ્ય આરોપી ઋષિકેશ હસુરકરનો થોડાક સમય પહેલા ટેલિગ્રામ મારફતે એચ.આર ડેની નામના ચાઈનીઝ વ્યક્તિ સાથે પરિચય થયો હતો. જે શખ્સ ચાઈનીઝ ગેંગ સાથે જોડાયેલો હોય તેને આ સીમકાર્ડ આપવામાં આવ્યા હતા. તે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પોતાના માણસને મોકલી આ સીમકાર્ડ મેળવતો હતો, અને રોકડ રૂપિયા આપી જતો હતો. જોકે આ બંને આરોપીઓ મહા ઠગ હોય તેમના દ્વારા ચાઈનીઝ વ્યક્તિઓને આપવામાં આવેલા સીમકાર્ડ સિમ કંપની થકી બંધ કરી તેજ સીમકાર્ડ ફરીવાર રી-એક્ટિવેટ કરી તેમને જ વેચાણ કરી અત્યાર સુધીમાં 2500 થી વધુ સીમકાર્ડ ચાઇનીઝ આરોપીઓને આપ્યા હોવાની હકીકત તપાસમાં સામે આવી છે.
આરોપીઓમાં ઋષિકેશ હસુરકર રોબોટિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યો છે, જ્યારે સુરેશ તેના આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. ડિજિટલ અરેસ્ટ કેસમાં સાઇબર ક્રાઇમ અગાઉ અનેક આરોપીઓની ધરપકડ કરી હતી. તેવામાં આ આરોપીઓએ ચાઈનીઝ ગઠીયાઓને સીમકાર્ડ વેચી બે મહિનામાં છ થી સાત લાખ રૂપિયા મેળવ્યા હોવાની પણ હકીકત તપાસમાં સામે આવી છે.
પકડાયેલા બંને આરોપીઓ સામે મધ્ય પ્રદેશના કોતવાલી પન્ના પોલીસ સ્ટેશનમાં તેમજ મહારાષ્ટ્રના કાલા ચોકી પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુનાઓ નોંધાયા હતા અને જેમાં તે જેલમાં હતા. હવે આ આરોપીઓને પકડ્યા બાદ તેમની સાથે આ ગુનામાં અન્ય કોઈ સામેલ હતું કે કેમ તેમ જ એરપોર્ટ પર સીમકાર્ડ લેવા આવનાર વ્યક્તિ અને ચાઈનીઝ વ્યક્તિની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરાઈ છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
