<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

ગુજરાત એસટીમાં ખાસ દિવ્યાંગો માટે કંડક્ટરની મોટી ભરતી: જાણો અરજીની પ્રક્રિયા સહિતની તમામ વિગત

વેલીડ ફર્સ એઇટ સર્ટિફિકેટ પણ હોવું અનિવાર્ય :ભરતીમાં કુલ 100 માર્ક્સની ઓએમઆર પદ્ધતિ દ્વારા પરીક્ષા લેવાશે

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવ્યાંગ અનામતની જગ્યાઓ માટે ભરતી પાડવામાં આવી છે. કુલ 571 જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવા માટે તારીખ 01/10/2025 રાત્રે 11.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી ફિક્સ પગાર આધારિત છે, એટલે કે, પાંચ વર્ષ માટે રૂપિયા 26,000 રૂપિયા પગાર આપવામાં આવશે. ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે આ ભરતી પાડવામાં આવી છે.

 

આ ભરતી માટે લાયકાતની વાત કરવામાં આવે તો, આ ભરતીમાં આવેદન કરવા માટે 12 પાસ હોવું અનિવાર્ય છે. આ સાથે 18થી 33 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે જે તારીખ 01/10/1992થી 01/10/2007 વચ્ચે જન્મેલા લોક આ ભરતી માટે અરજી કરી શકે છે.

જો કે, અનામત વર્ગના ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નીતિ નિયમો પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે. એટલું જ નહીં પરંતુ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીએથી મળતી કંડકટર લાયસન્સ તથા બેઝ હોવું જરૂરી છે, તેની સાથે વેલીડ ફર્સ એઇટ સર્ટિફિકેટ પણ હોવું અનિવાર્ય છે. આ ભરતીમાં કુલ 100 માર્ક્સની ઓએમઆર પદ્ધતિ દ્વારા પરીક્ષા લેવામં આવશે.

પરીક્ષાની વધારે વિગતે વાત કરવામાં આવે તો, સીલેબસ પ્રમાણે 100 ગુણના પ્રશ્નોની O.M.R. પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી લેવામાં આવશે અને તેનો સમય 1 કલાકનો રહેશે.

આ કસોટીમાં પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાને લેવાના રહેશે નહી. ખોટા, છેકછાકવાળા, એકથી વધુ વિકલ્પ દર્શાવેલ તથા છોડી દીધેલ જવાબનાં ગુણનું મુલ્યાંકન માઈનસ પદ્ધતિથી કરવામાં આવશે.

પ્રત્યેક ખોટા જવાબ, ખાલી છોડેલ જવાબ, છેકછાક, એક કરતા વધુ વિકલ્પ માટે પ્રત્યેક જવાબદીઠ 0.25 ગુણ માઈનસ કાપવામાં આવશે. જો ઉમેદવાર જવાબ આપવા માંગતા ન હોય તો E વિકલ્પમાં ડાર્ક કરશે તો તેમાં ગુણ માઈનસ કરવામાં આવશે નહીં.

(10:22 PM IST)