<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

અમિતભાઇ શાહ બે દિવસ ગુજરાતમાં : સુરતમાં ઈસ્કોન મંદિર ભૂમિપૂજન અને રાજકોટમાં ખેડૂતોનું મહા સંમેલન

જયેશભાઈ રાદડિયાના આગેવાનીમાં રાજકોટમાં ખેડૂત સંમેલન : 50,000થી વધુ ખેડૂતોના વિશાળ સંમેલનને સંબોધન કરશે

અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી એક વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવશે. સોમવારે, એટલે કે 22 સપ્ટેમ્બરે તેઓ રાજ્ય પ્રવાસે આવશે અને સુરત તથા રાજકોટમાં મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે. આ પ્રવાસ દરમિયાન તેઓ સુરતમાં ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં ભાગ લેશે, જ્યારે રાજકોટમાં 50,000થી વધુ ખેડૂતોના વિશાળ સંમેલનને સંબોધન કરશે. આ પ્રવાસથી રાજ્યના વિકાસ અને રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે   

પ્રવાસની શરૂઆત સુરતથી થશે, જ્યાં અમિતભાઈ શાહ કોસમાડા સ્થિત એન્થમ સર્કલ પાસે આવેલા 2.1 એકરમાં 101 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપશે. આ મંદિર પ્રોજેક્ટ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વનું છે, જે ઈસ્કોનના વૈશ્વિક નેટવર્કનો ભાગ બનશે. આ કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓ અને હજારો ભક્તોની હાજરીની અપેક્ષા છે. આ પ્રોજેક્ટથી સુરતના વિસ્તારને નવી ઓળખ મળશે અને પર્યટનને પ્રોત્સાહન મળશે.

સુરત પછી અમિતભાઈ શાહ રાજકોટ પહોંચશે, જ્યાં તેઓ રાજકોટ જિલ્લા બેન્ક સહિત વિવિધ સંસ્થાઓની સામાન્ય સભામાં ભાગ લેશે. આ સભા સાથે જોડાયેલા ખેડૂત સંમેલનમાં 50,000થી વધુ ખેડૂતો હાજર રહેશે, જે રાજકોટના ખેડૂત વર્ગ માટે મહત્વપૂર્ણ છે. આ સંમેલનની તૈયારીઓ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન જયેશભાઈ  રાદડિયાની આગેવાનીમાં તડામાર રીતે ચાલી રહી છે.

જયેશભાઈ  રાદડિયા, જેઓ સૌરાષ્ટ્રના પાટીદાર સમુદાયના પ્રભાવશાળી નેતા છે, તેમના માટે આ પ્લેટફોર્મ વિરોધી જૂથને સાઈડલાઈન કરવા અને શક્તિ પ્રદર્શન કરવાનો મોટો અવસર તરીકે જોવામાં આવી રહ્યો છે. રાજકોટમાં આવા વિશાળ સંમેલનનો રેકોર્ડ પહેલા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના નામે છે, જેમાં 1 લાખ ખેડૂતો હાજર થયા હતા. આ સંમેલનમાં કૃષિ વિકાસ, બેન્કિંગ અને સહકારી સંસ્થાઓના મુદ્દાઓ પર ચર્ચા થશે.


 

(12:01 AM IST)