News of Friday, 19th September 2025
ટેકાના ભાવે મગફળી વેચવા ૯ લાખ ખેડૂતો નોંધાયાઃ વાવેતર અને નોંધણી હશે તેની નોંધણી રદ નહિ થાય
મગફળી વેચવા ઇચ્છતા ખેડૂતોની સંખ્યા વિક્રમસર્જકઃ રાઘવજી પટેલ સેટેલાઇટ સર્વેનો મેસેજ આવ્યો હોય તેવા ખેડુતો આધાર- પૂરાવા રજુ કરે

રાજકોટ તા.૧૯: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવા ઓનલાઇન નોંધણી પ્રક્રિયા ચાલુ છે. તેની મુદત તા.૨૨ સપ્ટેમ્બર સુધીની છે. સરકારે કરાવેલા સેટેલાઇટ સર્વેમાં ઘણા ખેતરોમાં મગફળી વાવેલી દેખાયેલી ન હોવાનું જણાવી આધાર-પુરાવા રજુ કરવાના મેસેજ આવતા ખેડૂતો ચોક ઉઠયા છે. આજે સવાર સુધીમાં નોંધાયેલા વિક્રમસર્જક ૯ લાખ જેટલા ખેડૂતો પૈકી ૮૦ હજાર જેટલા ખેડૂતોને મોબાઇલ ફોનમાં આવા મેસેજ મળ્યાનું જાણવા મળે છે. જો કે રાજયના કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલએ જેણે વાવેતર કર્યુ હોય અને નિયમ મુજબ નોંધણી કરાવી હોય તેવા કોઇ ખેડૂતની નોંધણી રદ નહિ થાય તેવી ખાતરી આપી છે.
કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલએ જણાવેલ કે જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યુ છે અને ટેકાના ભાવે વેંચવા માટે ઓનલાઇન નોંધણી કરાવી હોવા છતાં સેટેલાઇટ સર્વેમાં મગફળીનું વાવેતર દેખાતુ ન હોવાના મેસેજ મળ્યા છે તેવા ખેડુતોએ મેસેજ મળ્યાના ૩ દિવસમાં સરકારને જાણ કરવી. જાતે ડીજીટલ ક્રોપ સર્વે કરાવી શકે છે અથવા ગ્રામ સેવક પાસે જઇને આધાર-પૂરાવા રજુ કરી નોંધણી યથાવત રાખી શકે છે. હજુ સુધી એકપણ ખેડૂતની મગફળી વેંચવા અંગેની નોંધણી રદ થઇ નથી. ભૂતકાળમાં ચણાના પાકમાં આવા મેસેજ મળ્યા પછી સમય મર્યાદામાં આધાર પૂરાવા રજુ કરનારા ખેડૂતોની નોંધણી યથાવત રાખવામાં આવી હતી. વાવેતર અને નોંધણી બંન્ને થયેલ હોય તેવા ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. સેટેલાઇટ સર્વે અંગેના મેસેજ માત્ર ચકાસણીની જરૂરિયાત અંગેના છે. ખેડૂતનું રજીસ્ટ્રેશન રદ થયા અંગે નથી.
મેસેજ મેળવનારા ખેડૂતોએ સમય મર્યાદામાં વાવેતર અને નોંધણીના પૂરાવા રજુ કરવાની પ્રક્રિયા કરવી જરૂરી છે. સંભવત દિવાળી પછી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.(
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
