News of Friday, 19th September 2025
અનિરૂધ્ધસિંહ જાડેજાને સરન્ડર થવામાં એક સપ્તાહની રાહત મળીઃ પોલીસ સ્ટેશનમાં હાજરી નહિ પુરાવવા અંગે નોટીસ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૯: ગોંડલ નાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા હત્યા કેસ માં સુપ્રીમ કોર્ટ દ્વારા રીબડાનાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ની આજીવન કેદ બરકરાર રખાઇ છે.અને હાઇકોર્ટ દ્વારા તા.૧૮/૯/૨૫ સુધીમાં સરેન્ડર થવા હુકમ કરાયેલ હતો પરંતુ અનિરુદ્ધસિંહનાં વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સરેન્ડર થવા અંગે સ્ટે મળવા રજુઆત કરાતા. કોર્ટ દ્વારા અઠવાડીયા નો સ્ટે અપાયો છે.મતલબ તા.૧૮ સરેન્ડર થવાની અંતિમ તારીખ હતી. જેમા આઠ દિવસની રાહત મળી છે.
બીજી બાજુ હાઇકોર્ટનાં હુકમનાં અનાદર મુદે અનિરુદ્ધસિંહ ને નોટીસ જારી કરાતા તેની મુશ્કેલીમાં વધારો થયો છે. હાઇકોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહની સજા માફીનો હુકમ રદ કરી તા.૧૮ સુધીમાં દર અઠવાડીએ કોઈ પણ એક અથવા લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવા જણાવાયું હતુ.ચાર અઠવાડીયા દરમ્યાન અનિરુદ્ધસિંહે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવી ના હોય અરજદાર હરેશભાઈ સોરઠીયા દ્વારા હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી હતી. હાઇકોર્ટનું ધ્યાન દોરી હાઇકોર્ટનાં હુકમનો અનાદર થયાનું જણાવાયું હતું.
દરમ્યાન હાઇકોર્ટ દ્વારા સુનવણી હાથ ધરી અનિરુદ્ધસિંહ તથા પોલીસને નોટિસ ઇશ્યુ કરી આ મુદ્દે સરકાર નો ખુલાશો માંગ્યો છે. અનિરુદ્ધસિંહને સરેન્ડર થવા ગઇકાલે અંતિમ દિવસ હતો.બીજી બાજુ સ્વ.અમિત ખૂંટ આપધાત કેસ માં અનિરુદ્ધસિંહ આરોપી હોય ગોંડલ તાલુકા પોલીસ પણ તેની ધરપકડ કરવા એક્શન મોડમાં છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા સરેન્ડર થવા આઠ દિવસનો વધારો કરાયો છે.
હવે એક સપ્તાહ બાદ અનિરૂધ્ધસિંહ સરન્ડર થાય છે કે કેમ! અથવા તો કોઇ નવો વળાંક કેસમાં લઇ આવવા પ્રયાસ થઇ રહયા છે, તે બાબતે ભારે અટકળો થઇ રહી છે.
૧૯૮૮ના રોજ પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયાની હત્યા થયેલ હતી અને આખરે આ કેસમાં અનિરૂધ્ધસિંહ આજીવન કેદની સજા થયા બાદ સજા માફીના મુદે કોર્ટમાં કાર્યવાહી ચાલ્યા બાદ ૧૮ સપ્ટેમ્બરે અનિરૂધ્ધસિંહને હાજર થયાનાં આદેશ હતો પરંતુ હવે એક સપ્તાહની મુદત મળતાં તેઓને રાહત મળી છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
