<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

દસક્રોઈ મામલતદારમાં કર્મચારીનું કારસ્‍તાન, રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા ઝડપાયો

જમીન નોંધ પ્રમાણિત કરવા માટે લાંચ માંગીઃ સામાન્‍ય નાગરિકોને પોતાના કાયદેસરના કામ કરાવવા માટે પણ લાંચ આપવી પડતી હોવાની કડવી વાસ્‍તવિકતા સામે આવી

અમદાવાદ, તા.૧૯: અમદાવાદમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્‍સો સામે આવ્‍યો છે. અમદાવાદ એસીબી (એન્‍ટિ-કરપ્‍શન બ્‍યુરો)એ દસ્‍ક્રોઈ મામલતદાર કચેરીના કોમ્‍પ્‍યુટર ઓપરેટરને રૂ.૧૫,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્‍યો છે. આરોપી પરાગ બારોટ જમીન સંબંધિત કામગીરી માટે લાંચની માંગણી કરી રહ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર સરકારી કચેરીઓમાં ફેલાયેલા ભ્રષ્ટાચારના દૂષણને ઉજાગર કર્યું છે. સામાન્‍ય નાગરિકોને પોતાના કાયદેસરના કામ કરાવવા માટે પણ લાંચ આપવી પડતી હોવાની કડવી વાસ્‍તવિકતા આ કિસ્‍સાથી સામે આવી છે.

એસીબીને મળેલી ફરિયાદ મુજબ, ફરિયાદીએ પોતાની જમીનની નોંધ પ્રમાણિત કરાવવા માટે દસ્‍ક્રોઈ મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. આ કામ માટે કોમ્‍પ્‍યુટર ઓપરેટર પરાગ બારોટે રૂ.૧૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. લાંચ આપવા ન માંગતા ફરિયાદીએ તાત્‍કાલિક અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો અને આ મામલે ફરિયાદ નોંધાવી. એસીબીએ છટકું ગોઠવ્‍યું અને પરાગ બારોટને ફરિયાદી પાસેથી લાંચની રકમ લેતી વખતે જ ઝડપી પાડ્‍યો. આ સફળ ઓપરેશનથી એસીબીએ સરકારી કચેરીઓમાં ચાલતા આવા ભ્રષ્ટાચારીઓને કાયદાના શાસન હેઠળ લાવવાનો પ્રયાસ કર્યો છે. 

(2:28 PM IST)