<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

સુરતમાં મેઘતાંડવ: એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો, શહેર પાણી-પાણી, જનજીવન અસ્તવ્યસ્ત

સુરત: લાંબા વિરામ બાદ સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર પુનરાગમન કરતાં સમગ્ર શહેરને જળબંબાકાર કરી દીધું હતું. હવામાન વિભાગની આગાહી વચ્ચે શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. એક જ કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

 

ભારે વરસાદના કારણે શહેરના લિંબાયત, વરાછા, કતારગામ, અઠવા અને રાંદેર સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય રસ્તાઓ નદીમાં ફેરવાતા વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી હતી અને ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પરિણામે, ઓફિસ અને કામેથી ઘરે પરત ફરી રહેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

 

સુરતની નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં પણ પાણી ભરાઈ જતાં દર્દીઓ અને તેમના સંબંધીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. આ ઉપરાંત, આગામી નવરાત્રિના તહેવારને લઈ તૈયાર કરવામાં આવેલા ગરબા ગ્રાઉન્ડ્સમાં પાણી ભરાતા આયોજકોની ચિંતામાં વધારો થયો છે.

 

સ્થિતિને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક અસરથી કામે લાગી હતી. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટે પંપિંગ સ્ટેશનો શરૂ કરવામાં આવ્યા હતા અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના દાવાઓ વચ્ચે શહેરનું પાણીમાં ગરકાવ થવું અનેક સવાલો ઉભા કરી ગયું છે. સોશિયલ મીડિયા પર પણ લોકોએ પાણી ભરાવવાના ફોટા અને વીડિયો શેર કરી તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

(3:11 PM IST)