<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

દેડિયાપાડાના કુકરદા ગામના ગંભીર નવજાત શિશુને નવજીવન આપતા રાજપીપળા સિવિલના ડોકટરો

એક દિવસના બાળકને રાજપીપળા સિવિલમા શ્વાસની તકલીફમાં રિફર કરાયો, જેમાં ડોકટરોએ સતત મહેનત કરી બાળકને મોતના મુખમાંથી બહાર કાઢ્યો: સિવિલના બાળકોના ડોકટર રિતેશ પરમાર, ડોકટર ચિંતન ભીમસેન સહિતના ડોક્ટરોએ બાળકને બચાવવા તનતોડ મહેનત કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં હવે ઘણી સારી સુવિધા અને સાધનો ઉપલબ્ધ છે અને હોસ્પિટલ ના સુપ્રિટેન્ડન્ડ ડો. મનીષ મહેતા પણ દર્દીઓને બચાવવા તબીબો અને દર્દીઓને તમામ પ્રકારની મદદે ઊભા રહે છે ત્યારે હાલમાં રાજપીપળા સિવિલમા દેડિયાપાડાથી રીફર કરેલા એક દિવસના ગંભીર હાલતમાં આવેલા બાળકનું જીવન બચાવી ડોક્ટરોએ માનવતાના દર્શન કરાવ્યા હતા.
    નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કુકરદા ગામના રહેવાસી સજનાબેન સતીશભાઇ વસાવાનાઓની દેડિયાપાડામાં સુવાવડ થયા બાદ બાળકને શ્વાસની ગંભીર તકલીફ હોવાથી રાજપીપળા સિવિલમા રીફર કર્યા બાદ રાજપીપળા સિવિલના બાળકોના ડોકટર રિતેશ પરમારે બાળકને તપાસતા જાણવા મળ્યું કે આ બાળકને ફેફસા અને છાતી વચ્ચે હવા ભરાતા બાળકને શ્વાસની તકલીફ વધી હતી જેથી ડો.રિતેશ પરમાર સાથે જનરલ સર્જન ડો.ચિંતન ભીમસેન અને ડો.રોશન વલવી અને ડો.ધવલ વસાવાએ બાળકની યોગ્ય સારવાર કરી અને જ્યાં હવા ભરાઈ જતી હતી ત્યાં એક નળી નાખતા બાળક શ્વાસ બરાબર લેતો થયો હતો, જેથી આ નળી થોડોક ટાઈમ રાખ્યા બાદ કાઢી નાંખતા બાળક તદ્દન સ્વસ્થ થયો અને ઓક્સિજન કે નળી વિના આમ લોકોની જેમ શ્વાસ લઈ રહ્યો છે. આમ લગભગ 15 દિવસનો આ બાળક હવે સ્વસ્થ થતા અહીંયા દાખલ આ બાળકને આજે રજા આપવાની હોવાનું ડો.રિતેશ પરમારે જણાવ્યું હતું.આમ નર્મદા જિલ્લાની આ વડી હોસ્પિટલમા સુવિધાઓ વધતા અને ડોક્ટરો પણ અંગત રસ લઈ નાના મોટા દરેક દર્દીઓની યોગ્ય સારવાર કરતા જીવન મરણ વચ્ચે જીવતા દર્દીઓ ને નવજીવન મળે છે

(10:17 PM IST)