<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

વડોદરા શહેરમાં ખાનકાહે રિફાઇયા ખાતે હઝરત સૈયદ ફખરૂદ્દીન અલ્‍મારૂફ અમીરમીયાં રિફાઇ સાહેબ(રહે.) ના ૧૮૫ માં ઉર્સની થનારી ભવ્‍ય ઉજવણી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :વડોદરા શહેરમાં દાંડીયા બજાર, બદામડી બાગ સામે આવેલ ખાનકાહે-આલીયા રિફાઇયા ખાતે આગામી તા.૨૦ મીથી તા.૨૩ મી સપ્ટેમ્બર-૨૦૨૫ દરમિયાન કોમી એકતાના પ્રતિક સમા ફખરૂલ અવલીયા શમસુલ અતકીયા હઝરત મૌલાના પીર સૈયદ ફખરૂદ્દીન ગુલામહુસેન અલ-મારૂફ અમીરમીયાં રિફાઇ સાહેબ (રહે.) ના ૧૮૫ માં ઉર્સ-શરીફની ઉજવણી નિમિત્તે ખાનકાહના સજ્જાદાનશીન પીર અલ્‍હાજ સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઇ સાહેબની નિગેહબાની હેઠળ આ દિવસોમાં વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્‍યું છે. અને તે અંગેની તમામ તૈયારીઓ હાલમાં પુરજોશમાં ચાલી રહી છે. આ ઉજવણી પ્રસંગે સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્‍લાહ રિફાઇ તેમજ સૈયદ મોઇનુદ્દીન(ઉર્ફે નૈયરબાબા) રિફાઇ અને સૈયદ હિસામુદ્દીન રિફાઇ સાહેબ અકીદતમંદો-શ્રધ્‍ધાળુઓને ખાસ આશિર્વચન પાઠવશે.
આ ત્રી-દિવસીય ઉર્સ ઉજવણીના આયોજન મુજબ તા.૨૦/૦૯/૨૦૨૫ ને શનિવારના રોજ પ્રથમ દિવસે અસરની નમાઝ ખાનકાહના મુખ્‍ય પ્રવેશ દ્વાર ઉપર “શાને રિફાઇ” નો પરચમ લહેરાવવામાં આવશે. બીજા દિવસે તા.૨૧-૦૯-૨૦૨૫ ને રવિવારના રોજ ફઝરની નમાઝ બાદ મઝારે મુકદ્દસાને ગુસ્લ આપવામાં આવશે. ત્‍યારબાદ સાંજે ૪-૦૦ કલાકે ખાનકાહે આલીયા રિફાઇયા, દાંડીયા બજાર ખાતેથી પીર અલ્‍હાજ સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્‍લાહ રિફાઇ સાહેબ સંદલના જુલુસને પ્રસ્‍થાન કરાવશે. આ જુલુસ શહેરના વિવિધ વિસ્‍તારો અને રાજમાર્ગો ઉપર ગશ્‍ત કરતુ રાત્રે ૧૧-૦૦ કલાકે ખાનકાહ શરીફમાં પરત ફરશે અને જેમના ઉર્સ-શરીફની ઉજવણી થઇ રહી છે, તે બુઝુર્ગ પીર હઝરત સૈયદ ફખરૂદ્દીન અલ્‍મારૂફ અમીરમીયાં રિફાઇ સાહેબના મઝાર શરીફ પર પીર સૈયદ કમાલુદ્દીન રિફાઇ સાહેબ, ખાસ હાજરી આપનાર રિફાઇ સિલસિલાના અન્‍ય બુઝુર્ગોના હસ્‍તે સંદલ ચઢાવવામાં આવશે. તા.૨૨/૦૯/૨૦૨૫ ને સોમવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે મિલાદ-શરીફના કાર્યક્રમ બાદ હુઝુરે અકરમ રસુલુલ્‍લાહ (સ.અ.વ.) સાહેબના બાલ-મુબારકની જીયારત તેમજ રિફાઇ સિલસિલાના બુઝુર્ગોના પરંપરાગત પોષાક તથા પીર હઝરત સૈયદ ઝેનુલઆબેદીન રિફાઇ(રહે.) દ્વારા હસ્‍તલિખિત કુરાન-શરીફ તથા કાબાશરીફના ગિલાફ મુબારકના દિદાર કરાવવામાં આવશે. રાત્રે ઇશાંની નમાઝ બાદ રાતીબે રિફાઇના જલ્‍સા સાથે ઝર્બનો કાર્યક્રમ પણ યોજાશે. તા.૨૩/૦૯/૨૦૨૫ ને મંગળવારના રોજ બપોરે ઝોહરની  નમાઝ બાદ કુલ શરીફની રશ્મ અદા કરવામાં આવશે અને રાત્રે ઇશાંની નમાઝ બાદ મહેફીલે સમા (કવ્‍વાલી)ના જલ્‍સામાં ભારતના મશહુર કવ્‍વાલો તેમના કલામો રજૂ કરશે

(10:19 PM IST)