હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શારદીય નવરાત્રીઃ શક્તિ, ભક્તિ અને નારી સન્માનનો ત્રિવેણી સંગમ
ભારતની ઉત્સવપ્રિય પ્રજા માટે આધ્યાત્મિકતાનો અનેરો અવસર એટલે નવરાત્રિ

આગામી તારીખ ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫થી શરૂ થઈ રહેલ શારદીય નવરાત્રિનું પર્વ શક્તિ-ભક્તિ અને મસ્તીનો અનોખો સંગમ લઈને આવે છે. આસુરી શક્તિઓના સંહાર માટે દેવોના શક્તિપુંજમાંથી પ્રગટ થયેલા આદ્યશક્તિ દુર્ગા દેવીની ઉપાસનાના આ નવ દિવસો દુઃખ, દરિદ્રતા અને દુર્ગતિનો નાશ કરનારા મનાય છે. આ પર્વ માત્ર માતાજીની આરાધનાનું જ નહીં, પરંતુ આપણી આસપાસ રહેલી પ્રત્યેક નારીમાં શક્તિના સ્વરૂપને નિહાળીને તેમનો આદર કરવાનું પણ છે.
નવદુર્ગાના નવ સ્વરૂપો અને નારીશક્તિઃ નવરાત્રિના નવ દિવસો દરમિયાન નવદુર્ગાના નવ વિશિષ્ટ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે, જેસ્ત્રીના જીવનના વિવિધ તબક્કાઓનું પણ પ્રતિક છે.
૧. શૈલપૂત્રીઃ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તે શૈલપૂત્રી કહેવાયા. જન્મ લેનારી પ્રત્યેક કન્યા શૈલપૂત્રીનું સ્વરૂપ છે. તેમની પૂજાથી મૂલાધારચક્ર જાગ્રત થાય છે.
૨. બ્રહ્મચારિણીઃ ભગવાન શિવને પતિરૂપે પામવા ઘોર તપસ્યા કરનાર દેવી. કૌમાર્ય અવસ્થા સુધીની દીકરી બ્રહ્મચારિણીનું સ્વરૂપ છે. તેમની ઉપાસનાથી ત્યાગ, સંયમ અને સદાચારમાં વૃદ્ધિ થાય છે.
૩. ચંદ્રઘંટાઃ મસ્તક પર ઘંટ આકારનો અર્ધચંદ્ર ધારણ કરનાર દેવીનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. વિવાહ સુધી ચંદ્રમા સમાન નિર્મળ અને પવિત્ર દીકરી ચંદ્રઘંટા સમાન છે.
૪. કૂષ્માણ્ડાઃ પોતાના મંદ હાસ્યથી બ્રહ્માંડને ઉત્પન્ન કરનાર દેવી. નવા જીવને જન્મ આપવા ગર્ભ ધારણ કરનારીસ્ત્રી કૂષ્માણ્ડાનું સ્વરૂપ છે. તેમની ઉપાસનાથી રોગ-શોક દૂર થાય છે.
૫. સ્કંદમાતાઃ ભગવાન સ્કંદ (કાર્તિકેય)ના માતા હોવાથી સ્કંદમાતા તરીકે ઓળખાય છે. સંતાનને જન્મ આપ્યા પછીસ્ત્રી સ્કંદમાતા બની જાય છે.
૬. કાત્યાયનીઃ મહર્ષિ કાત્યાયનના તપથી પ્રસન્ન થઈ તેમના ઘેર પુત્રીરૂપે અવતરેલા દેવી. સંયમ અને સાધનાને ધારણ કરનાર સ્ત્રી કાત્યાયનીનું રૂપ છે.
૭. કાલરાત્રિઃ કાળનો નાશ કરનારું દેવીનું સાતમું સ્વરૂપ. પોતાના સંકલ્પથી પતિના અકાળ મૃત્યુને પણ જીતી લેનાર સ્ત્રી કાલરાત્રિ સમાન તેજસ્વી હોય છે.
૮. મહાગૌરીઃ જેમની ઉપાસનાથી અસંભવ કાર્યો પણ સંભવ બને છે. કુટુંબરૂપી સંસારનો ઉપકાર કરનારી સ્ત્રી મહાગૌરી બની જાય છે.
૯. સિદ્ધિદાત્રીઃ સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરનાર દેવી. સંસારમાંથી વિદાય લેતા પહેલાં પોતાના સંતાનોને સુખ-સંપદાના આશીર્વાદ આપનારી સ્ત્રી સિદ્ધિદાત્રી બની જાય છે.
શક્તિનું તાત્વિક દર્શન અને સાચી ઉપાસના પરબ્રહ્મની સક્રિય અવસ્થાનું નામ શક્તિ છે અને સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત પરમસત્તા શિવ છે. પરમેશ્વરને પણ કાર્ય કરવા શક્તિની જરૂર પડે છે.
જગદંબાના આઠ હાથ એ સહનશક્તિ, નિર્ણય શક્તિ, સામનો કરવાની શક્તિ, સહયોગ શક્તિ જેવી આઠ આધ્યાત્મિક શક્તિઓનું પ્રતિક છે. તેમના હાથમાં રહેલા સુદર્શનચક્ર, શંખ, ગદા, ધનુષ્ય અને ત્રિશૂળ જેવા શષો દુષ્ટોનો નાશ કરી ભક્તોના રક્ષણનો સંકેત આપે છે.
ખરા અર્થમાં, સાચી શક્તિ ઉપાસના એ આપણા ઘરમાં રહેલી માતા, દીકરી, પત્ની અને પુત્રવધૂમાં શક્તિના દર્શન કરી તેમનો આદર અને સત્કાર કરવામાં રહેલી છે. શાષાોમાં પણ કહ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ અર્થાત્ જ્યાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. જે ઘરમાં મા, વહુ અને દીકરી સુખી અને સન્માનિત હોય છે, ત્યાંથી ક્લેશ, ગરીબી અને બીમારી દૂર રહે છે.
ભવાન્યષ્ટકમ્ શરણાગતિનું સ્તોત્રઃ આદિ શંકરાચાર્યજી દ્વારા રચિત ભવાન્યષ્ટકમ્એ મા ભવાનીની શરણાગતિનું અદ્ભુત સ્તોત્ર છે. તેમાં ભક્ત પોતાની અજ્ઞાનતા વ્યક્ત કરી માતાને સર્વ પરિસ્થિતિમાં રક્ષણ કરવા પ્રાર્થના કરે છે. વિવાદ, વિષાદ, પ્રવાસ, જળ, અગ્નિ કે શત્રુઓ વચ્ચે, મા ભવાની જ એકમાત્ર શરણ છે. નવરાત્રિમાં આ સ્તોત્રના પાઠથી દેવીની કૃપા, સુખ અને સફળતાની પ્રાપ્તિ થાય છે.(૩૮.૪૨)
આલેખનઃ
વિનોદભાઇ માછી ‘‘નિરંકારી''
નવીવાડી, તા.શહેરા,
જી. પંચમહાલ
મો. ૯૭૨૬૧૬૬૦૭૫









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
