<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

હાર્દિક પટેલની પોસ્‍ટ સરકાર સામે કે સ્‍થાનિક રાજકારણ સામે ?

અમે શાંત છીએ સંત નહીં, મનમાં વહેમ હોય તો કાઢી નાખજો કેમ કે આ શરૂઆત છે અંત નહીં : મંત્રી મંડળના વિસ્‍તરણની વાતો વચ્‍ચે ધમકી ભરી પોસ્‍ટથી રાજકારણમાં ગરમાવો

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.,૨૦ : અનામત આંદોલનના હીરો બાદમાં વિરમગામ બેઠકના ધારાસભ્‍ય બનેલા હાર્દિક પટેલના એક પછી એક તેવર સરકાર સામે બગાવત કે વિરમગામના સ્‍થાનિક રાજકારણનો વિવાદો છે તેવો પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે.

માહિતગાર સુત્રો દ્વારા જાણવા મળ્‍યા મુજબ હાર્દિક પટેલ દ્વારા વિરમગામ પાલિકામાં સ્‍થાનિક પ્રશ્નોને લઇ તાજેતરમાં લોક દરબાર યોજવામાં આવ્‍યો હતો આ લોક દરબારમાં સ્‍થાનિક લોકો દ્વારા ફરિયાદો પણ અગાઉ આપવામાં આવી હતી.

વિરમગામ પાલિકામાં કુલ ૩૬ સભ્‍યો છે લોક દરબારના દિવસે ૩૬ કોર્પોરેટરોમાંથી ૩૫ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા માત્ર એક કોર્પોરેટરની હાજરી વચ્‍ચે યોજાયેલ આ લોક દરબારનો સાવ ફિયાસ્‍કો થયો હતો ઉપરાંત ફરિયાદીઓને ફોન કરીને બોલાવવામાં આવ્‍યા હતા છતા અમુક આવ્‍યા નહોતા.

ઉલ્લેખનીય છે કે વિરમગામના કોર્પોરેટરો અને ધારાસભ્‍ય હાર્દિક પટેલ વચ્‍ચે સંકલનનો અભાવ હોય અગાઉ પણ બંને વચ્‍ચેના ઝઘડાઓ જાહેરમાં આવ્‍યા છે ત્‍યારે આ લોક દરબાર સફળ ન થાય અને હાર્દિક પટેલને નીચા જોણુ થાય એ માટે સ્‍થાનિક કોર્પોરેટરોએ ભાગ ભજવી હાર્દિક વિરૂદ્ધ સંગઠનમા પણ રજુઆતો કરી હોય તેમના વિરૂદ્ધ આ પોસ્‍ટ મુકી હોય શકે.

સૂત્રોના જણાવ્‍યા મુજબ હાર્દિક પટેલે આ પોસ્‍ટ સ્‍થાનિક રાજકારણ સામે મૂકેલી છે  જો કે હાર્દિક પટેલે અગાઉ વિરમગામમાં ઉભરાતી ગટરના પ્રશ્ને સરકાર સામે અગાઉ બાયો ચડાવી ઉપવાસ ઉપર ઉતરવાની ધમકી આપી અસંતોષ વ્‍યક્‍ત કર્યો હતો ફરીવાર હાર્દિકની આ પોસ્‍ટ કોને ઇશારો કરે છે એ વાતની ચર્ચા રાજકીય વર્તુળોમાં જામી છે.

મંત્રીમંડળના વિસ્‍તરણ સમયે હાર્દિક પટેલના આ તેવર પોતાને અસંતોષ હોવાનું પણ સાબિત કરે છે અમુક રાજકીય વિશ્‍લેષકો તો એવું પણ કહે છે કે હાર્દિક પોતાનું રાજકીય અસ્‍તિત્‍વ ટકાવવા માટે આ બધા નાટકો કરી રહ્યો છે.

(3:37 PM IST)