<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

શું આવી રીતે ભણશે ગુજરાત: જૂના મોઝદા ગામમાં અભ્યાસ માટે આવતા બાળકો:ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવે 8 કિ.મી.પગપાળા ચાલવા મજબૂર

સરકારી કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં એસટી બસો મંગાવાઈ છે પરંતુ બાળકોના અભ્યાસમાં સરકાર ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં નિષ્ફળ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલ જુના મોઝદા ખાતેની સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પગપાળા ચાલવા મજબૂર બની ગયા છે.

    ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ 8 થી 10 કિલોમીટર ચાલીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પડી રહી છે. નર્મદા જિલ્લો આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે. ત્યારે જૂના મોઝદા ખાતે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ 8-10 કિ. મી.વિશાળ જંગલમાંથી પગપાળા ચાલવા અથવા ખાનગી વાહનોમાં ભારે ભીડમાં બેસીને શાળાએ આવવા જવા મજબૂર બન્યા છે. જેની સીધી અસર વિદ્યાર્થીઓના પરિણામ પર જોવા મળે છે.
  ડેડીયાપાડા વિસ્તારો ના ગામડાઓ જેવા કે પીપલોદ, વાઘ ઉમર, સાંકડી, ગીચડ જેવા ગામોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. જેઓ આર્થિક રીતે સક્ષમ નથી તેમ છતાં વાલીઓ પોતાના સંતાનોને ગમે તે ભોગે અભ્યાસ કરાવી રહ્યા છે. કેટલાક વાલીઓ પોતાના બાળકોને મજબૂરી એ ખાનગી વાહનોમાં ભીડનો ભાગ બનાવીને શાળામાં મોકલવા મજબૂર બન્યા છે. ત્યારે શાળાના અસંખ્ય વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટેશન ની સુવિધાના અભાવે 8 થી 10 કિ.મી. સુધી પગપાળા ચાલીને શાળાએ આવવા જવા મજબૂર બન્યા છે.
 વિદ્યાર્થીઓ શાળાના સમય કરતા એકથી દોઢ કલાક પહેલા ઘરેથી નીકળીને પગપાળા જૂના મોઝદા જાય છે અને સાંજે શાળા છૂટયા પછી આખા દિવસના અભ્યાસ બાદ થાકીને વિશાળ જંગલ માંથી પગપાળા ઘરે જાય છે. ત્યારે જંગલમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ રસ્તો પસાર કરવા મજબૂર છે, જેઓ ઘરે પહોંચીને થાકીને અભ્યાસ કરવાને બદલે સૂઈ જાય છે. આ વિદ્યાર્થીઓ ભણી ગણીને કંઇક બનવા માટે શિયાળો, ઉનાળો અને ચોમાસામાં પગપાળા ચાલીને શાળાએ જઇ રહ્યા છે.
સરકાર તેમના સરકારી કાર્યક્રમો માટે અનેક જિલ્લાઓ માંથી એસટી બસો મંગાવી ભીડ ભેગી કરે છે પરંતુ બાળકો ના અભ્યાસ માટે સરકાર પાસેટ્રાન્સપોર્ટેશન ની સુવિધા આપવામાં અપાતી નથી, એકબાજુ સરકાર આદિવાસી બાળકોના અભ્યાસ માટે કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે, નવી નવી યોજનાઓ લાવે છે, પરંતુ અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન ની સુવિધા આપવામાં ઉણી ઉતરી હોય તેમ લાગી રહ્યું છે. જેની સીધી અસર આ વિસ્તારના વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પડી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ માટે બસ મૂકવામાં આવે અને વિદ્યાર્થીઓને બસ પાસની સુવિધા પણ કરી આપવામાં આવે તો આ પંથકના વિદ્યાર્થીઓની સમસ્યાનો હલ થાય તેમ છે.


 

(9:40 PM IST)