News of Saturday, 20th September 2025
સુરતની હોસ્પિટલમાં ભીષણ આગ: કેન્સર વોર્ડમાંથી ૯ દર્દીઓનું રેસ્ક્યૂ, અફરાતફરીનો માહોલ
મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલમાં બનેલી ઘટના, ફાયર બ્રિગેડની ૬થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

સુરત: સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલના કેન્સર વોર્ડની બિલ્ડિંગમાં આગ લાગવાની ગંભીર ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો છથી વધુ ગાડીઓ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો
ફાયર વિભાગના જવાનોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. હોસ્પિટલના સ્ટાફ અને ફાયરના જવાનોએ સંયુક્ત રીતે કામ કરીને કેન્સર વોર્ડમાં સારવાર લઈ રહેલા ૯ જેટલા દર્દીઓ અને તેમના સંબંધીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આગના કારણે સર્જાયેલી અફરાતફરી વચ્ચે દર્દીઓને અન્ય સુરક્ષિત વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા આગના ચોક્કસ કારણની તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ હોસ્પિટલના સાધનો અને ફર્નિચરને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનો અને તેના અમલીકરણ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
