News of Sunday, 21st September 2025
સુરત જિલ્લામાં એકસાથે ૬ દંપતિને દત્તક વિધાનનો કાયદેસર આદેશ : પરિવારોમાં ખુશીનો માહોલ
CARA એડોપ્શન રેગ્યુલેશન એક્ટ-2022 અંતર્ગત બે સંબંધી દત્તક કિસ્સાઓ અને ચાર સ્ટેપ એડોપ્શન કેસમાં સુરત જિલ્લા કલેકટર દ્વારા મહત્વનો નિર્ણય

સુરત, રવિવાર: CARA (સેન્ટ્રલ અડોપ્શન રિસોર્સ ઓથોરિટી) એડોપ્શન રેગ્યુલેશન, 2022 હેઠળ સુરત જિલ્લામાં એકસાથે ૬ દંપતિઓને જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી દ્વારા દત્તક વિધાનનો કાયદેસર આદેશ આપવામાં આવ્યો છે, જેનાથી આ પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે.
આ છ કિસ્સાઓમાંથી બે કિસ્સાઓ સંબંધી દત્તક વિધાનના છે, જેમાં એક બાળકને દેશની અંદર અને બીજા કિસ્સામાં અમેરિકામાં વસતા સગા-સંબંધીને બાળક દત્તક આપવામાં આવ્યું છે. આ સાથે જ, સુરત જિલ્લામાં આ પ્રકારના આંતર-દેશીય દત્તક વિધાનનો આ બીજો કિસ્સો નોંધાયો છે. એક કિસ્સામાં, સગા પિતાના અવસાન બાદ એક 16 વર્ષનો ભાઈ અને તેની 14 વર્ષની બહેનને પરિવારની સંમતિથી ન્યૂયોર્કમાં વસતા તેમના સગા કાકા-કાકી દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય કિસ્સામાં સુરતમાં જ વસતા એક બહેને પોતાના સંતાનહીન ભાઈને તેની 3 વર્ષની દીકરી દત્તક આપી છે.
આ ઉપરાંત, CARA એક્ટ-2022 હેઠળ જ ચાર દંપતિઓએ સ્ટેપ એડોપ્શન (સાવકા માતા-પિતા તરીકે) દ્વારા બાળકોને દત્તક લીધા છે. કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ દત્તક લેનાર કાયદેસરના માતા-પિતાઓને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં સુરત જિલ્લા સમાજ સુરક્ષાના અધિકારી એલ.બી.પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિજય પરમાર અને ચિરાગ એમ.રામાવત દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા દત્તકની પ્રક્રિયાને સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે CARA એડોપ્શન રેગ્યુલેશન એક્ટ, 2022 હેઠળ ઘણા સુધારા કરવામાં આવ્યા છે. 16 સપ્ટેમ્બર, 2025થી આ પ્રક્રિયા માટે 'મિશન વાત્સલ્ય પોર્ટલ' પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સ્ટેપ એડોપ્શનની પ્રક્રિયા પણ હવે કેન્દ્રીય રીતે CARA એક્ટ હેઠળ જ હાથ ધરવામાં આવે છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
