News of Sunday, 21st September 2025
આરે રે.. અમદાવાદમાં એકલતાં દૂર કરી આપતી કંપનો પ્રારંભઃ પ્રતિ કલાકના 300 રૂપિયા
આ કંપનીના માણસો તમને મળે છે એક મિત્ર તરીકે, જે તમારી સાથે સમય પસાર કરશે, તમારી વાતો સાંભળશેઃ વિદેશમાં આવી કંપનીઓ પહેલેથી જ ચાલી રહી છેઃ ગુજરાતમાં પણ આ નવી પહેલ

અમદાવાદઃ આજની દોડધામભરી જિંદગીમાં માણસ પાસે બધું છે – મોબાઇલ, સોશિયલ મીડિયા, નોકરી, પૈસા – પરંતુ સૌથી મોટી કમી છે તો સાથ અને સંવાદની. સોશિયલ મીડિયામાં હજારો-લાખો ફૉલોવર્સ હોવા છતાં વાસ્તવિક જીવનમાં સાથે ચા પીવા કોઈ મિત્ર ન હોય, એ આજના યુવાનો અને વૃદ્ધો બંનેની હકીકત બની ગઈ છે. સોશિયલ મીડિયામાં ફોટા, વિડિયો અને સ્ટેટસ મૂકીને દુનિયાને પોતાની ખુશી બતાવતો માણસ હકીકતમાં અંદરથી ખુબ એકલો રહે છે, ખાસ કરીને આજની યુવા પેઢી અને વૃદ્ધો માટે આ એકલતા મોટું દુઃખ બની ગઈ છે.
આ જ એકલતાની ખાલી જગ્યા પૂરવા માટે અમદાવાદમાં શરૂ થઈ છે એક અનોખી કંપની– જ્યાં તમને મળે છે એક મિત્ર, જે તમારી સાથે સમય પસાર કરે, તમારી વાતો સાંભળે અને તમારો મિત્ર બને. વિદેશમાં આવી કંપનીઓ પહેલેથી જ ચાલી રહી છે, પરંતુ હવે ગુજરાતમાં પણ આ નવી પહેલ શરૂ થતાં અનેક લોકોને એક મિત્ર મળ્યો છે, વૃદ્ધોને પોતાની સાથે સમય પસાર કરવા બાળકો મળ્યા છે. આ સેવા માત્ર મિત્રતા અને સંગાથ માટે છે, જેથી માણસને લાગણીસભર સહારો મળે અને તે જીવનમાં ફરીથી ખુશીઓ અનુભવી શકે છે.
ગુજરાતના અમદાવાદના રહેવાસી ઋષિ જાની, જેમણે એક મહિના પહેલા કંપની શરૂ કરી હતી, તેમણે અમારી સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમના મિત્ર સાથે બનેલી એક ઘટના બાદ લાગ્યું કે એવા અનેક લોકો છે જેમને ફક્ત એક માણસ જોઈએ છે, જે તેમની સાથે બેસીને તેમની વાતો સાંભળે અને સમય પસાર કરે. એમના રિસર્ચ અનુસાર એવા પણ લોકો છે જે સાવ એકલા છે. તેમને ઇચ્છા તો હોય છે ફિલ્મ જોવાની કે પછી ચા પીવાની કે બહાર ફરવાની, પરંતુ તેમની સાથે કોઇ હોતું નથી. તો બસ આવા લોકો માટે જ આ કંપની કામ કરે છે.
ઋષિ જાની તેમના મિત્રની સાથે બનેલી ઘટના જણાવતા કહે છે કે, "મારો મિત્ર રાજ (નામ બદલાયું છે), તેના બ્રેકઅપ બાદ એટલો દુઃખમાં અને એકલો થઈ ગયો હતો કે તેને ખ્યાલ જ આવતો નથી કે તે જીવી રહ્યો છે કે નહીં. પરંતુ અમે તેને ખૂબ જ સાથ આપ્યો જેના કારણે તે આ પીડામાંથી બહાર આવી શક્યો. બસ અહીંથી જ મને વિચાર આવ્યો કે એવા અનેક લોકો છે જેમને પોતાની વાત કહેવી છે, પરંતુ કોઇ માણસ નથી. ત્યારે મેં શરૂઆત કરી એક કંપનીની, જેને નામ આપ્યું Hangout Company. ચાલો જાણીએ કે આ શું છે?"
ઋષિ જાની જણાવે છે કે આ કંપની તે અને તેમનો એક મિત્ર મળીને ચલાવે છે. કંપનીની શરૂઆત હાલ અમણા જ કરી છે, જેથી અત્યારે તેમના મિત્ર અને તે પોતે લોકો સાથે જાય છે જે સાવ એકલા છે. કંપની દ્વારા એક કલાકના ફક્ત 300 રૂપિયા જ રાખવામાં આવ્યા છે. એટલે જો કોઇ વ્યક્તિને ફિલ્મ જોવા જવું હોય અને તેમની સાથે કોઇ ના હોય તો તે આ કંપનીનો સોશિયલ મીડિયા અથવા તો ફોન દ્વારા સંપર્ક કરીને 300 રૂપિયા આપીને મિત્ર બોલાવી શકે છે, જે તેમની સાથે ફિલ્મ જોવા જઈ શકે છે.
ઋષિ જાની ખાસ કહે છે કે, “અમે કોઇ ડેટિંગ કંપની નથી ખોલી. આ કંપની ફક્ત મિત્રો બનાવે છે. સાથે અમારી કંપનીની અમુક પોલિસી છે, જેમ કે છોકરા સાથે છોકરો જ જાય અને છોકરી સાથે છોકરી જાય, જેથી સેફટી પણ રહે.” સાથે ખાસ વાત એ છે કે આ કંપની દ્વારા સિનિયર સિટિઝનને વધારે મહત્વ આપવામાં આવે છે, કારણ કે એવા અનેક વૃદ્ધો છે જેમની પાસે સમય પસાર કરવા કોઇ નથી હોતું. હાલ અત્યારે તેમની ટીમમાં કોઇ છોકરી ના હોવાના કારણે તેઓ ફક્ત યંગ જનરેશનમાં છોકરાની જ ઇન્ક્વાયરી લે છે.
રુસી જૈન વધુમાં જણાવે છે કે અત્યાર સુધી એક મહિનામાં તેઓ ઘણા વ્યક્તિઓને મળ્યા છે, જેમાં આજની જનરેશનના લોકો પણ છે અને સિનિયર સિટિઝન પણ છે. એવા સિનિયર સિટિઝન છે જેમની પાસે સમય પસાર કરવા કોઇ નથી. તેઓ અમને બોલાવે છે અને અમે તેમની સાથે રમત રમીએ છીએ જેથી તેમને ખુશી મળે છે.
આ કંપનીને હજી ઘણો સમય થયો નથી, જેથી ઋષિ જાની જણાવે છે કે લોકો સોશિયલ મીડિયા અને ફોન દ્વારા તેમનો સંપર્ક કરી શકે છે. હજી આગળ તેઓ આ કંપનીની ઑફિશિયલ વેબસાઇટ ખોલવાનું વિચારી રહ્યા છે. સાથે આમાં અનેક ફેરફાર કરવાનો પણ વિચાર છે, કારણ કે અનેક ફેક કોલ પણ આવતા હોય છે. જેથી સેફટી બેઝ પર પણ વર્ક કરવાનું બાકી છે. સાથે હજી સ્ટાફથી લઇને દરેક બાબતમાં વધારો કરવો છે. આ કંપની માત્ર મિત્રતા અને એકલતામાં રહેતા લોકોને કંપની મળે તે જ ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી છે.
શિયાળો ક્યારે આવવાની તૈયારીમાં છે? આગામી 7 દિવસ માટે દિલ્હી-એનસીઆરમાં હવામાન
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
