<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

પાલનપુરના લાખણી તાલુકાના ગેરકાયદેસર રીતે યોજાનારા લક્કી ડ્રો પકડાયો: પોલીસ તંત્રએ અટકાવ્યો

બનેગા કરોડપતિ" નામથી ટિકિટોનું વેચાણ શરૂ કર્યું હતું: સોશિયલ મીડિયા પર ટિકિટ વેચવા ઉપરાંત તે લાખણીના ગેળા રોડ પરના હનુમાન મંદિર પાસે મંડપ ઊભો કરીને લોકોને લોભામણી લાલચ આપતો હતો.

પાલનપુર: લાખણી તાલુકાના જસરા ગામમાં ૨૦ સપ્ટેમ્બરના રોજ ગેરકાયદેસર રીતે યોજાનારા લક્કી ડ્રોને પોલીસ દ્વારા અંતિમ ક્ષણે અટકાવી દેવામાં આવ્યો છે. એક અખબારી અહેવાલ બાદ પોલીસ સક્રિય થઈ હતી અને આયોજન માટે ઊભા કરાયેલા મંડપને હટાવી દીધા હતા. આ ઘટનાથી સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા પણ સામે આવી છે, કારણ કે અત્યાર સુધી ગેરકાયદેસર ડ્રોનું આયોજન કરવા બદલ કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.

 

આ ગેરકાયદેસર લક્કી ડ્રોનું આયોજન અશોક માળી નામના શખ્સે કર્યું હતું, જેની સામે અગાઉ થરાદ અને ધાનેરા પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયા છે. તેમ છતાં તેણે ફરીથી "કોન બનેગા કરોડપતિ" નામથી ટિકિટોનું વેચાણ શરૂ કર્યું હતું. અગાઉના એસપી અક્ષયરાજ મકવાણાએ આવા ડ્રો બંધ કરાવ્યા હતા, પરંતુ તેમની બદલીનો લાભ ઉઠાવીને અશોક માળીએ ફરીથી આ વેપલો શરૂ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ટિકિટ વેચવા ઉપરાંત તે લાખણીના ગેળા રોડ પરના હનુમાન મંદિર પાસે મંડપ ઊભો કરીને લોકોને લોભામણી લાલચ આપતો હતો.

 

આ સમગ્ર મામલા અંગે પોલીસને જાણ થતા તાત્કાલિક હરકતમાં આવી અને સ્થળ પર પહોંચી મંડપ ખોલાવી નાખ્યો હતો. આયોજકોએ તાત્કાલિક પોતાનો સામાન સમેટી લીધો અને ડ્રોને મુલતવી રાખવાની જાહેરાત કરી. જોકે, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ હોવા છતાં, હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી નથી.

 

(4:06 PM IST)