<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણી પહેલા 6 ઉમેદવાર બિનહરીફ જાહેર

રાધનપુરથી શંકર ભાઈ ચૌધરી અને થરાદ બેઠક પરથી પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત 6 ઉમેદવાર બિનહરીફ થયા

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની 10મી ઓક્ટોબરે યોજાનારી 16 ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો, જેમાં રાધનપુરથી શંકરભાઈ  ચૌધરી અને થરાદ બેઠક પરથી પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત 6 ઉમેદવાર બિનહરીફ થયા છે, જ્યારે બાકીની 10 બેઠક માટે ક્યાંક ત્રણ-ત્રણ તો ક્યાંક 5-5 ઉમેદવાર મેદાને છે, જોકે હજી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 29 સપ્ટેમ્બર છે ત્યાં સુધી કેટલાં ફોર્મ પરત ખેંચાય છે એ જોવું રહ્યું.

   બનાસ ડેરીની ચૂંટણી પહેલા 6 બેઠક બિનહરીફ થઈ જેમા રાધનપુર, થરાદ,અમીરગઢ,  સુઈગામ, ડીસા, ભાભરનો સમાવેશ થયો છે, જોકે હજુ વાવ બેઠક પર રાયમલ ચૌધરી અને તેમના પત્નીએ ફોર્મ ભર્યું છે, જે બિનહરિફ થવાની શક્યતા છે.તો બીજી તરફ લાખણી બેઠક ઉપર વર્તમાન ડિરેક્ટર ધુડાભાઈ પટેલ અને લાખણી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન તેજાભાઈ ભુરીયાએ ફોર્મ ભર્યું છે. બંને ઉમેદવારો શંકર ચૌધરીના સમર્થકો હોવાથી આ બેઠક બિનહરિફ થવાની શક્યતા છે.

     રાધનપુર બેઠક પરથી બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકરભાઈ  ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ બિનહરીફ ચૂંટાયા છે. રાધનપુરથી શંકર ચૌધરીની એકમાત્ર ઉમેદવારી હોવાથી કોઈએ ફોર્મ ભર્યું ન હતું. શંકર ચૌધરીની ગેરહાજરીમાં તેમના પ્રતિનિધિ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું, જેને સભાસદો અને સમર્થકોએ આવકાર આપ્યો છે. આ બિનહરીફ પસંદગી દર્શાવે છે કે સભાસદોમાં શંકરભાઈ  ચૌધરીનું વર્ચસ્વ અને લોકપ્રિયતા અતૂટ છે.

    શંકરભાઈ  ચૌધરી ઉપરાંત, થરાદથી પરબત પટેલ, અમીરગઢથી ભાવાભાઈ રબારી બિન હરીફ ચૂંટાયા છે. જ્યારે ભાભર અને ડીસામાં મહિલા પ્રતિનિધિ બિનહરફી થાય છે. આ બંને મુખ્ય નેતાઓનું બિનહરીફ ચૂંટાવું બનાસ ડેરીના રાજકારણમાં શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણનો સંકેત આપે છે.

 

(7:26 PM IST)