News of Tuesday, 23rd September 2025
વડોદરામાં યુનાઇટેડ વે બાદ LVP હેરિટેજ ગરબા સામે ખેલૈયાઓનો રોષ: આયોજકો સામે નારાજગી
ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવે એ પહેલા તેમને ગરબા સ્થળે અસુવિધાઓનો સામનો કરવો પડ્યો: એલવીપી હેરિટેજ ગરબામાં ખાસ કરીને પાર્કિંગની અસુવિધાને લઈને ખેલૈયાઓમાં ભારે અસંતોષ

વડોદરા : નવરાત્રીના પ્રથમ દિવસે જ વડોદરામાં ખેલૈયાઓએ ગરબા આયોજકો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કારણ કે અસુવિધાના કારણે તેમને હાલાકી ભોગવવી પડી હતી. શહેરના જાણીતા LVP હેરિટેજ ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંપરાગત રીતે અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટે છે, પરંતુ આ વખતે આયોજનમાં આવેલી ખામીઓ સામે ખેલૈયાઓએ ખુલ્લેઆમ રોષ ઠાલવ્યો હતો. નોંધનીય છેકે, યુનાઇટેડ વે ગરબામાં પણ ખેલૈયાઓએ આયોજકો સામે નારાજગી દર્શાવી હતી.
ગઇકાલે નવલા નોરતાની પ્રથમ રાત હતી. પ્રથમ નોરતે વડોદરા શહેરમાં યોજાતા ગરબાઓમાં હર્ષભેર ખેલૈયાઓ ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જોકે ઢોલીના તાલે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવે એ પહેલા તેમને ગરબા સ્થળે અસુવિધાઓનો સામનો કરવો પડ્યો હતો. જેની સામે તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. યુનાઇટેડ વે ગરબામાં લોકોએ હોબાળો મચાવ્યો હતો તો બીજી તરફ એલવીપી હેરિટેજ ગરબામાં જઇ રહેલા ખેલૈયાઓએ પણ અવ્યવસ્થાને લઇને રોષ સાથે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો.
એલવીપી હેરિટેજ ગરબામાં ખાસ કરીને પાર્કિંગની અસુવિધાને લઈને ખેલૈયાઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. વાહન પાર્ક કર્યા બાદ ખેલૈયાઓને લગભગ એક કિલોમીટર ચાલીને ગરબા સ્થળ સુધી પહોંચવું પડતું હતું. ચાલવા માટેના રસ્તા પર પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ખેલૈયાઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રસ્તા પર જગ્યા–જગ્યાએ ખાડા અને પથ્થર પડેલા હોવાને કારણે અનેક ખેલૈયાઓને પગમાં ઈજા પહોંચી હતી. આ સિવાય પણ સ્થળે પાણીની અને સુવિધાસભર બેસવાની વ્યવસ્થા ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
ખેલૈયાઓએ જણાવ્યું હતું કે, મોટા વાયદા કર્યા છતાં પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો. ખાસ કરીને મહિલાઓ અને વડીલ ખેલૈયાઓ માટે પરિસ્થિતિ વધુ કઠિન બની હતી. આયોજકો સામે ખેલૈયાઓએ તીખો રોષ ઠાલવતા જણાવ્યું કે, દર વર્ષે વધતા જતા ટિકિટના દર અને ભવ્ય દાવાઓ છતાં ગ્રાઉન્ડમાં યોગ્ય આયોજન જોવા મળતું નથી. નવરાત્રીમાં ઊંડી શ્રદ્ધા અને ઉમંગ સાથે ગરબા રમવા આવતા ખેલૈયાઓ માટે આ પ્રકારની મુશ્કેલીઓ માહોલ બગાડનારી સાબિત થઈ છે. ખેલૈયાઓની માંગ છે કે તાત્કાલિક માર્ગોની મરામત, યોગ્ય પાર્કિંગ સુવિધા અને આરોગ્ય-સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે, જેથી આગામી દિવસોમાં નવરાત્રીની ઉજવણીમાં વિક્ષેપ ન પડે.
નવરાત્રિના પ્રથમ જ દિવસે વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબામાં ફરી એકવાર વિવાદ સર્જાયો હતો. આયોજકો દ્વારા મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા છતાં ખેલૈયાઓને કોઈપણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ ન થતા ખેલૈયાઓમાં ભારે નારાજગી ફાટી નીકળી હતી. ખાસ કરીને વરસાદ બાદ ગરબા ગ્રાઉન્ડમાં કાદવ અને કીચડ ભરાઈ જતા ખેલૈયાઓને રમવામાં ભારે મુશ્કેલી પડી હતી. આ પરિસ્થિતિને કારણે પ્રથમ જ દિવસે ગ્રાઉન્ડમાં “હાય હાય”ના નારા ગુંજ્યા હતા.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
