તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
૨ લાખથી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ એકલાહાથે કર્યુઃ દેવેનભાઈ શેઠને ક્લવઈમેટ ચેન્જ એવોર્ડ એનાયત

રાજકોટઃ ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાત સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગ તથા રાજકોટના સદ્ભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ગુજરાતમાં પર્યાવરણ માટે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બે દ્વારા ક્લાયમેટ ચેન્જ એવોર્ડ-૨૦૨૫ ગ્રીનસીટી ભાવનગરના દેવેનભાઈ શેઠને અર્પણ કર્યો હતો.
દેવેનભાઈ (મો.૯૮૭૯૫ ૧૧૩૫૦) છેલ્લા ૧૪ વર્ષોથી સતત વૃક્ષારોપણ કરી આજ સુધીમાં બે લાખથી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરી રહ્યા છે. આ પહેલા દેવેનભાઈ તેમની શ્રેષ્ઠ પર્યાવરણીય કામગીરી માટે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ, સ્વ.વિજયભાઈ રૂપાણી, શ્રીમતિ આનંદીબેન પટેલ તથા હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીયમંત્રી નીમુબેન બાંભણીયા તેમજ બોલીવુડ હીરો જેકી શ્રોફ અને મોરારીબાપુના હસ્તે એવોર્ડ મળી ચૂક્યા હોવાનું ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.
દેવેનભાઈએ જણાવ્યું હતું કે સદ્ભાવના વૃધ્ધાશ્રમ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા એવોર્ડ મળતા હું ગૌરવની લાગણી અનુભવું છું. કારણ કે સદ્ભાવનાએ આખા ભારત દેશમાં વૃક્ષારોપણ કરવા માટે સૌથી મોટી નંબર-વન સંસ્થા છે. સદ્ભાવના ટ્રસ્ટના શ્રી વિજયભાઈ ડોબરીયાનું સ્વપ્ન છે કે આખા ભારતમાં ૧૫૦ કરોડ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી ભારત દેશને લીલોછમ હરીયાળો બનાવવો. હું ગુજરાતના દરેક કોર્પોરેશનને અપીલ કરુ છું કે તેઓ સદ્ભાવના ટ્રસ્ટ સાથે મળીને વૃક્ષારોપણ કરાવે, જેથી ૧૦૦% પરિણામ મેળવી શકાય. ગુજરાત સરકાર તથા સદ્ભાવના ટ્રસ્ટનો આભાર માનું છું. એવોર્ડ ફંકશનમાં વ્યસ્તતાના કારણે ત્યાં રૂબરૂ આવી એવોર્ડ ન સ્વીકારી શકતા સદ્ભાવના વૃધ્ધાશ્રમના પ્રતિનિધિ શ્રી વિશાલભાઈ માંગુકીયા દેવેનભાઈને તેમના નિવાસ સ્થાને જઈને તેમના હસ્તે એવોર્ડ અર્પણ કર્યો હતો.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
