<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

ગૃહમંત્રી અમિતભાઇ શાહે ગાંધીનગરમાં “સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-2025”નો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે વર્ષ ૨૦૧૪ પહેલા દેશમાં માત્ર ૫૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ અને ચાર જ યુનિકોર્ન હતા: પીએમ મોદીએ દેશના યુવાનોમાં રહેલી ક્ષમતાને ઉજાગર કરવા સ્ટાર્ટઅપ્સને આપેલા પ્રોત્સાહનોના પરિણામે આજે દેશમાં ૧.૯૨ લાખથી પણ વધુ સ્ટાર્ટઅપ્સ અને ૧૨૦થી વધુ યુનિકોર્ન કાર્યરત

ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય “સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-2025”નો આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો. સ્ટાર્ટઅપ એક્ઝિબિશનનો પ્રારંભ કરાવીને કેન્દ્રીય ગૃહ મંત્રીએ વિવિધ સ્ટાર્ટઅપ સ્ટોલ્સની પ્રત્યક્ષ મુલાકાત લઇ ઉદ્યમીઓ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળાએ ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા.

દેશના યુવા ઉદ્યમીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે થયેલી ક્રાંતિનો યશ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ પહેલા દેશમાં માત્ર ૫૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ અને ચાર જ યુનિકોર્ન હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોમાં રહેલી ક્ષમતાને ઉજાગર કરવા સ્ટાર્ટઅપ્સને આપેલા પ્રોત્સાહનોના પરિણામે આજે દેશમાં ૧.૯૨ લાખથી પણ વધુ સ્ટાર્ટઅપ્સ અને ૧૨૦થી વધુ યુનિકોર્ન કાર્યરત છે, જેની કુલ વેલ્યુ ૩૫૦ બિલિયન ડોલરથી પણ વધુ થાય છે. પરિણામે આજે ભારતનો યુવાન જોબ સીકર મટી, જોબ ગીવર બની રહ્યો છે. તેમણે યુવાનોમાં રહેલી આ ક્ષમતાનો લાભ લેવા ઉદ્યોગકારો અને રોકાણકારોને પણ અપીલ કરી હતી.

 સ્ટાર્ટઅપ કોન્કલેવની આ બીજી આવૃત્તિ અંગે તેમણે કહ્યું હતું કે, સતત બે દિવસ ચાલનારા આ કોન્કલેવમાં ભારતને દરેક ક્ષેત્રે સર્વોચ્ચ બનાવવા અને દરેક નાગરિકના જીવનમાં સમયાનુકુળ પરિવર્તન માટે ચિંતા અને ચિંતન થકી સમસ્યાના સમાધાન માટે સાત સત્રોમાં વિચાર-વિમર્શ કરવામાં આવશે. વર્ષ ૨૦૨૩માં સ્ટાર્ટઅપ કોન્કલેવની પ્રથમ આવૃત્તિની સફળતા બાદ આ બીજી આવૃત્તિ દેશ-પ્રદેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં વધુ મદદરૂપ પૂરવાર થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-2025માં નવા સ્ટાર્ટઅપ્સ અને યુવાનોને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ દેશની ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને સ્કીલ્ડ વર્કફોર્સના મહત્તમ ઉપયોગથી ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરીંગ હબ બનાવવા ‘મેક ઇન ઇન્ડિયા-મેડ ફોર ધ વર્લ્ડ’નું વિઝન આપ્યું છે. ભારત આજે ગ્લોબલ સ્ટાર્ટઅપ સ્પેસમાં એક નવી આશા તરીકે ઉભરી આવ્યું છે તેની પાછળ આદરણીય વડાપ્રધાનનું આ આગવું વિઝન રહેલું છે 

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના આ વિઝનના પરિણામે મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા મોટા અભિયાનો સફળ થયા છે. તેના કારણે ઇન્ડસ્ટ્રી, ઇકોનોમી અને સ્ટાર્ટઅપ્સ સહિતના સેક્ટર્સને વેગ મળ્યો છે.

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ વિકસિત ભારતના નિર્માણ માટે દેશના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી રહ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સ્ટાર્ટઅપ ક્ષેત્રે અનેકવિધ નવા આયામો હાથ ધરીને યુવા સાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા સ્ટાર્ટઅપ અને વિદ્યાર્થીઓના ઈનોવેટીવ આઇડિયા ચાલકબળ સાબિત થશે.

આ કાર્યક્રમમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, ધારાસભ્યઓ,  મુખ્ય સચિવ પંકજ જોશી, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર તેમજ ઉદ્યોગકારો, શિક્ષણ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(9:31 PM IST)