News of Wednesday, 24th September 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કલોલની મુલાકાતે: 102 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
આગામી ૫ થી 10 વર્ષમાં કલોલ અમદાવાદ સાથે ભળી જશે: 2 વર્ષમાં કલોલમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો અંત આવશે

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજે કલોલની મુલાકાતે હતા, જ્યાં તેમણે કુલ રૂપિયા 102 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. જેમાં રૂપિયા 12 કરોડના ખર્ચે બનેલા જ્યોતેશ્વર તળાવ, જાસપુર રોડ પરના STP પ્લાન્ટ, અને ટાવર ચોક પરના રેન બસેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, રૂપિયા 90 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું
આ પ્રસંગે પોતાના સંબોધનમાં અમિતભાઈ શાહે કલોલના વિકાસની પ્રશંસા કરતાં કહ્યું કે, "પહેલાના અને હાલના કલોલમાં ઘણો ફેર છે." તેમણે ઉમેર્યું કે આગામી ૫ થી 10 વર્ષમાં કલોલ અમદાવાદ સાથે ભળી જશે. તેમણે લોકોને ખાતરી આપી કે આગામી 2 વર્ષમાં કલોલમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો અંત લાવવામાં આવશે. વીજળી બિલ મુદ્દે બોલતા તેમણે જણાવ્યું કે, કોલસા પરનો ટેક્સ ઘટાડવામાં આવ્યો છે, જેના કારણે નવા કોલસાના જથ્થાના આગમન બાદ વીજળીના બિલમાં ઘટાડો થશે. આ ઉપરાંત, તેમણે લોકોને ‘સ્વદેશી અપનાવવા’ અને ઘરમાં એક પણ વિદેશી વસ્તુ ન વાપરવા માટે અપીલ કરી હતી. અંતમાં, તેમણે પોતાના લોકસભા વિસ્તારના નાગરિકોને ખાતરી આપી કે જો તેમને કોઈ પણ સમસ્યા હોય, તો તેઓ પોસ્ટકાર્ડ લખીને સીધો સંપર્ક કરી શકે છે
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
