News of Thursday, 25th September 2025
દહેજ ખાતે ૧૦૦૦ કરોડના ખર્ચે ગ્રીન સ્ટીમ પ્રોજેક્ટ ઉભો થશે
આ પ્રોજેક્ટથી પ્રતિ કલાક ૧૨૦ ટન સ્વચ્છ સ્ટીમનો પુરવઠો પ્રાપ્ત થશેઃ દર વર્ષે પાંચ લાખ ટનથી વધુ કાર્બન ડાયોક્સાઇડમાં ઘટાડોઃ જરૂરિયાતવાળા ઉદ્યોગોને પાઇપલાઇન દ્વારા સ્ટીમનો પુરવઠો અપાશે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૫ : ગુજરાતમાં આવેલ દહેજ ખાતેની જી.આઇ.ડી.સી.માં અનેક ફેક્ટરીઓમાં સ્ટીમ જરૂરિયાત રહેતી હોય છે આવા ઉદ્યોગોમાં સ્વચ્છ સ્ટીમનો પુરવઠો મળી રહે એ માટે દહેજ ખાતે ગ્રીન સ્ટીમ પ્રોજેક્ટ માટે ખાનગી કંપની દ્વારા તૈયારી ચાલી રહી છે.
દહેજ ખાતે સ્થાપાનાર આ પ્રોજેક્ટ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ૧૦૦૦ કરોડથી વધુના ખર્ચે ઊભા થનાર આ પ્રોજેક્ટથી પ્રતિ વર્ષ ૫ લાખ ટનથી વધુ કાર્બન ડાયોક્સાઇડમાં ઘટાડો થશે જે એક લાખથી વધુ કાર રોડ ઉપરથી દૂર કરવા બરાબર ગણાવાઈ રહ્યું છે.
આ પ્રોજેક્ટથી દરરોજ પ્રતિ કલાક ૧૨૦ ટન સ્વચ્છ સ્ટીમ ઉત્પન્ન થશે જે ને પાઇપલાઇન દ્વારા આજુબાજુના ૨૫ થી ૩૦ ઉદ્યોગોમાં પૂરો પડાશે જેના લીધે અશ્મિભૂત ઈંધણના ઉપયોગને સીધો બદલશે.
દહેજ ખાતે હાલ ચાલી રહેલા ઉદ્યોગોથી હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આ ઉદ્યોગ આશીર્વાદ રૂપ સાબિત થશે અને દહેજ ભારતના અગ્રણી ગ્રીન ઔદ્યોગિક કલસ્ટર તરીકે ઉભરસે.
ગ્રીન સ્ટીમ પ્રોજેક્ટ ચાલુ થયા બાદ પ્રતિ વર્ષ ૪ લાખ ટનથી વધુ કોલસાનો બચાવ થશે સાથે સલ્ફર ઓક્સાઈડ, નાઇટ્રોજન ઓક્સાઈડ અને અન્ય ધનકણોનો પણ પ્રદૂષણમાં ભારે ઘટાડો થશે.
કંપની દ્વારા હાલ દહેજ જી.આઇ.ડી.સી. ખાતે સરકારના ભાવ તાલ મુજબ જગ્યા પણ આપવા માંગણી કરવામાં આવી છે રાજ્ય સરકાર પાસે દહેજ જી.આઇ.ડી.સી. માં લાખો વાર જગ્યાઓ પડી છે જે ઉદ્યોગો માટે જ રાખવામાં આવી હોય કંપની દ્વારા આ જગ્યા સરકારી ધારા ધોરણ મુજબ અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ કિંમત મુજબ આપવા માંગણી કરવામાં આવી છે જો બધુ સમુ સુતરૂ પાર પડી જશે તો આ પ્રોજેક્ટ તાત્કાલિક શરૂ પણ થઈ જશે.
બોયલરથી સ્ટીમ ઉત્પાદન કરતી ફેકટરીમાં કયારેક બોયલર ફાટવાથી કામદારોની સલામતી જોખમાતી હોય છે ત્યારે આ પ્રોજેક્ટથી કામદારોની સલામતીમાં વધારો થશે.
હાલ કંપની દ્વારા આ પ્રોજેક્ટ માટે ગાંધીનઞર સરકારના જુદા જુદા વિભાગોમાં પ્રક્રિયા ચાલી રહી છે જો બધુ પાર પડી જશે તો ટુંક સમયમાં ભારતમાં પ્રથમ પોતાનીજ કંપનીમાં ઉત્પાદન થતી સ્ટીમને બચાવી બીજી કંપનીમાં અપાશે.
દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ
પોતાનીજ ફેકટરીમાથી ઉત્પાદિત થતી ગરમી જે વાયુમાં ભળે છે તેને કેપચર કરી સ્ટીમમાં રૂપાંતરીત કરાશે
(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૫: નવા સ્થાપનાર આ પ્રોજેક્ટને ભારતનો પ્રથમ પ્રોજેક્ટ ગણાવાય છે જે પોતનીજ ફેક્ટરીમાંથી નિકળતી ગરમી જે વાયુમાં ભળે છે જેનો ફરી ઉપયોગ કરી સ્ટીમમાં રૂપાંતરીત કરશે.
આમ તો ભારતમાં ગરીન સ્ટીમ ઉત્પાદિત કરતા અમુક યુનિટો ચાલુ છે પરંતુ એ કચરાને બાળી સ્ટીમ ઉત્પાદિત કરે છે જયારે આ પ્રોજેક્ટમાં વેસ્ટ રિકવરી બોઇલર ચાલશે જેમાં કંપની દ્વારા કરવામાં આવતી ઉત્પાદન પ્રક્રિયામાંથી ઉપજતી ગરમી કેપ્ચર કરી આ ગરમીનો ઉપયોગ પછી સ્ટીમ બનાવવા માટે થશે.
કંપની દ્વારા ઉત્પાદિત કરનાર આ ગ્રીન સ્ટીમમાં કોલસાનો કે બીજા કાંઈ પદાર્થનો ઉપયોગ નહીં થાય મતલબ કોઈ જ ફયુઅલ બળાસે નહિ એટલે જ આ પ્રોજેક્ટને ગ્રીન સ્ટીમ પ્રોજેક્ટ કહેવામાં આવે છે.
અનેક ઉદ્યોગોમાં બોઇલરની જરૂર પડે છે જેમાં ઇંધણનાસ્ત્રોત તરીકે કોલસો અને બીજી વસ્તુઓ વપરાય છે જેનાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ વધતું હોય છે જ્યારે આમાં કશુ જ નહી વપરાય.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
