News of Thursday, 25th September 2025
ગાંધીનગરના બહિયલમાં ગરબામાં જુથ અથડામણ : આગચંપી-પથ્થરમારો
પોલીસે ટીયરગેસના સેલ છોડયાઃ અસામાજીક તત્વોને ઝડપી લેવા પોલીસ તપાસનો ધમધમાટ

ગાંધીનગર, તા. રપ : ગાંધીનગરમાં મોડી રાતે બહિયલ ગામમાં હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહીં ગરબા આયોજન પર પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ અને આગચંપી જેવી ઘટનાને અંજામ અપાયાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં પ્રાથમિક માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે કોઈ સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવાથી મામલો બીચકયો હતો. મોડી રાતે સ્થિતિ બેકાબૂ થતાં ૧૫ જેટલા પોલીસ વાહનોમાં તોડફોડ મચાવાઈ હતી. આ દરમિયાન ટોળાને કાબૂમાં લેવા ટિયર ગેસનો મારો ચલાવાયો હતો. પથ્થરમારાની ઘટનામાં પાંચ સ્થાનિકો ઈજાગ્રસ્ત થયાની માહિતી પણ સામે આવી છે.
જોકે સ્થિતિ વધારે ન બગડે તે માટે પોલીસનો કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો અને હિંસામાં સામેલ તત્વોને શોધી કાઢવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. માહિતી અનુસાર સૂત્રો જણાવે છે કે પોલીસ જ્યારે સ્થિતિને કાબૂમાં લેવા ગઈ ત્યારે પોલીસ પર જ પથ્થરમારો કરી દેવામાં આવ્યો હતો અને તેમના વાહનોને નુકસાન પહોંચાડાયું હતું.
માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા બહિયલ ગામમાં ગરબાનું આયોજન કરાયું હતું. આ દરમિયાન સામાન્ય બાબતે બે જૂથ વચ્ચેની માથાકૂટ હિંસામાં પરિણામી હતી. જેના બાદ આગચંપી, તોડફોડ, પથ્થરમારા જેવી ઘટનાઓને અંજામ અપાયો હતો. હાલમાં ઘટનાસ્થળે પોલીસ કાફલો હોવાથી સ્થિતિ કાબુમાં લેવાયાની માહિતી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે બુધવારે ત્રીજા નોરતાએ ૨ સમુદાયના લોકો સામ-સામે આવી જતાં ઘર્ષણ થયું હતું. દહેગામના બહિયલ ગામે બનેલી આ ઘટનામાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જ્યારે ગામમાં ગરબા ચાલતા હતા ત્યારે ગરબાની બાજુના એક વિસ્તારમાંથી ચાલુ ગરબાએ પથ્થરમારો થયો હતો અને એક ટોળું આવ્યું હતું જેણે પથ્થરમારો કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર ગરબા સ્થળે ૩ બાજુએથી પથ્થરમારો થયો હતો અને ૨૫ જેટલી ગાડીઓના કાચ તૂટયા હતા. આ પથ્થરમારામાં મહિલાઓને ઇજા પહોંચી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર ૫ ટિયર ગેસ છોડવામાં આવ્યા છે અને ૧૫ જેટલા પોલીસ વાહનોના કાચ પણ તૂટયા હતા.
દહેગામના બહિયલમાં મોડી રાત્રે બે કોમ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે. હિંસક ટોળાએ ગામમાં આતંક મચાવ્યો છે. આઠથી વધુ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને એક દુકાનમાં તોડફોડ કરી આગ ચાંપવામાં આવી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો થયો છે .જેમાં તેમના બે વાહનોને નુકસાન થયું છે. નજીવી બાબતે શરૂ થયેલી બબાલ બાદ ટોળું હિંસક બન્યું હતું. આ ટોળાએ ગામમાં ચાલી રહેલા ગરબા પર અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેને કારણે ખેલૈયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. હિંસક બનેલા ટોળાએ ગામમાં તોડફોડ પણ કરી હતી. તેમણે આઠથી વધુ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત, એક દુકાનમાં પણ તોડફોડ કરીને તેને આગ ચાંપી દીધી હોવાના અહેવાલ છે.
પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક પોલીસનો કાફલો બહિયલ ગામ પહોંચ્યો હતો. જોકે, હિંસક ટોળાએ પોલીસની ટીમ પર પણ હુમલો કર્યો હતો અને પોલીસના બે વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતાં સમગ્ર ગામમાં હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. પોલીસે અત્યાર સુધીમાં ૫૦ જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે. પોલીસે સ્થાનિકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે.
આ ઘટના બાદ સમગ્ર ગામમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તેવા પગલાં લેવાઈ રહ્યા છે. આ હિંસક ઘટનામાં જાનહાનિની કોઈ ઘટના હાલના તબક્કે સામે આવી નથી, પરંતુ વાતાવરણ તંગ છે. પોલીસે આ મામલે આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે. આ અથડામણમાં કેટલાક લોકોને ઇજા પણ થઈ છે.સ્થાનિકોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટના અંગે ગાંધીનગર DYSP પિયુષ વાંદાએ જણાવ્યું હતું કે, ગામમાં શાંતિ અને સલામતી ડોહળાય નહીં તે માટે પોલીસ સજ્જ છે અને સતત પેટ્રોલિંગ કરી રહી છે. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે.
તેમણે લોકોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપવું અને કોઈપણ ગેરમાર્ગે દોરનારા મેસેજને ધ્યાને ન લેવા.ૅ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, શાંતિ જોખમાય નહીં તે માટે પોલીસ દરેક પગલાં લઈ રહી છે. પોલીસે પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. વાંદાએ જણાવ્યું કે, પથ્થરમારા અંગે પોલીસ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરશે.
બીજી તરફ, ASP કક્ષાના અધિકારીએ માહિતી આપી હતી કે પોલીસે અત્યાર સુધીમાં ૬૦થી વધુ વ્યક્તિઓની અટકાયત કરી છે, જેમના દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થયો હોવાની આશંકા છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વહીવટીતંત્ર કડક હાથે કામ લઈ રહ્યું છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
