<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

વિચરતી-વિમૂકત જનજાતિઓને સર્વાંગી વિકાસ કરોઃ નોકરી-શિક્ષણમાં અલગથી ૧૧ ટકા અનામત આપોઃ ૧૦૦ ચો.વા.ના પ્‍લોટ ફાળવો

વિજળી-પાણી-ગટરની મૂળભૂત જરૂરિયાતો નથીઃ એટ્રોસીટી કાયદામાં અમારા સમૂદાયોનો સમાવેશ કરો વિચરતી-વિમુકત જનજાતિ હકક સમિતિનું કલેકટરને આવેદનઃ સરકારમાં કરાયેલ માંગણીઓ મોકલવા રજૂઆત

રાજકોટ તા. રપઃ વિચરતી-વિમુકત જનજાતિ હકક સમિતિએ સૂત્રોચ્‍ચાર દેખાવો સાથે કલેકટરને આવેદન પાઠવી વિચરતી/વિમુકત જનજાતિઓના સર્વાંગી વિકાસ માટે સરકાર પાસે માંગણીઓ રજૂ કરતા વિનંતિ કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, અમારી માંગણીઓ મુજબ વિચરતી વિમુકત જનજાતિઓમાંથી (૧) તુરી, (ર) ગારૂડી, (૩) ગરો (ગરોડા) સમુદાયોનો સમાવેશ સરકારે અનુસુચિત જાતિના શિડયુલમાં કરેલ છે, તેમજ (૧) કોટવાળીયા, (ર) પારધી, (૩) કાથોડી (કતકરી), (૪) વિટોળીયા સમુદાયોનો સમાવેશ અનુસુચિત જનજાતિના શિડયુલમાં કરેલ છે. જયારે બાકીની તમામ જનજાતિઓનો સમાવેશ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત સમાજોમાં એટલે કે ઓ.બી.સી.માં કરવામાં આવેલ છે. જે બાબતે અમારા સમાજો સરકારના આભારી છીએ.

અમારી માંગણીઓ આ મુજબ છે

ગુજરાત રાજયમાં વસતી વિચરતી અને વિમુકત જનજાતિઓને બંધારણમાં જણાવવામાં આવેલ જનજાતિ તરીકે મળવાપાત્ર તમામ હકકો ગુજરાત રાજયમાં મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિક પ્રયત્‍નો કરવામાં આવે.

વિચરતા અને વિમુકત સમુદાયોને પાંચમાં શિડયુલ તરીકે શૈક્ષણિક, નોકરીમાં અને રાજકીય અનામત સાથેની અલગથી ૧૧ ટકા અનામત મળે તે માટે જરૂરી બંધારણીય સુધારા કરાવવા માટે તેમજ જરૂરી તમામ અન્‍ય કામગીરી માટે ગુજરાત સરકાર શકય તમામ પ્રયત્‍નો કરે.

જયાં સુધી પાંચમાં શિડયુલ તરીકે વિચરતી વિમુકત જનજાતિને અનામત ના મળે ત્‍યાં સુધી અનુ. જાતિ અને અનુ. જનજાતિમાં સમાવેશ કરવામાં આવેલ ના હોય તેવી વિચરતી અને વિમુકત જનજાતિઓને ગુજરાત રાજયમાં ઓ.બી.સી.ને મળતી ર૭ ટકા અનામતમાંથી અલગ ૧૧ ટકા અનામત આપવામાં આવે.

વિચરતા અને વિમુકત સમુદાયોના મોટા ભાગના પરિવારોને રહેવા માટે ઘર નથી. જેથી, તેઓ ઝુંપડપટ્ટીઓમાં વસવાટ કરે છે. તો આવા પરિવારોની તંત્ર દ્વારા ઓળખ કરી તેઓને રહેવા માટે શહેરી વિસ્‍તારમાં ૧૦૦ ચોરસ વારનો પ્‍લોટ આપવામાં આવે તેમજ ભવન નિર્માણ માટે સહાય આપવામાં આવે તેમજ વીજળી, પાણી અને ગટરની મુળભુત જરૂરિયાતો પુરી પાડવામાં આવે. જે જગ્‍યાએ ઝુંપડપટ્ટીઓ ડિમોલીશ કરી અમારા સમુદાયના લોકોને બેઘર કરી દેવામાં આવેલ છે તેઓને તાત્‍કાલીક પ્‍લોટ ફાળવી આપવામાં આવે તેમજ ભવન નિર્માણ માટે સહાય આપવામાં આવે તેમજ વીજળી, પાણી અને ગટરની મુળભુત જરૂરિયાતો પુરી પાડવામાં આવે.

વિચરતા અને વિમુકત સમુદાયોના સામાજીક બહિષ્‍કાર, શોષણ, અપમાન અને તેઓ વિરૂદ્ધ અન્‍ય સમાજો દ્વારા કરવામાં આવતી હિંસા સામે રક્ષણ મળે તે માટે એટ્રોસીટી કાયદા અંતર્ગત અમારા સમુદાયોનો તાત્‍કાલીક સમાવેશ કરવામાં આવે.

અમારા સમુદાયોના વિદ્યાર્થીઓને વિચરતી વિમુકત જનજાતિનો દાખલો શાળામાંથી જ મળી રહે તે માટે જરૂરી ઠરાવો, નોટીફીકેશન અને માર્ગદર્શિકાઓ પ્રસિદ્ધ કરવામાં આવે. અમારા સમુદાયના વિદ્યાર્થીઓને પુસ્‍તકો અને ગણવેશ સરકાર દ્વારા વિનામુલ્‍યે પરા પાડવામાં આવે. વિવિધ સહાયો, લોનો અને સ્‍કોલરશીપોમાં હાલની આવક મર્યાદા વધારીને તાત્‍કાલીક આઠ લાખ રૂપિયા કરવામાં આવે. વિવિધ સહકારી ક્ષેત્રોમાં વિચરતી અને વિમુકત જનજાતિઓને સત્તામાં અને નોકરીઓમાં ૧૧ ટકા આરકશણ આપવામાં આવે.

અમારા સમુદાયની વિવિધ વસાહતો તેમજ ઝુંપડપટ્ટીઓમાં તંત્ર દ્વારા ડ્રાઇવ ચલાવી તેઓને આધાર કાર્ડ, ચુંટણીકાર્ડ, રેશનકાર્ડ (જરૂરિયાતમંદ પરિવારોને બી.પી.એલ. રેશનકાર્ડ) તેમજ અન્‍ય દસ્‍તાવેજો તૈયાર કરાવી આપવા માટે પ્રયત્‍નો કરવામાં આવે. સરકારના પ્રતિનિધિ હોઇ અમારી ઉપર મુજબની માંગણીઓ સરકાર સુધી પહોંચાડી અમારી માંગણીઓને વાચા આપવા માટે આપને અમારૂં નિવેદન છે. આવેદન દેવામાં અગ્રણીઓ ઘનશ્‍યામભાઇ રાવળ, રમેશભાઇ નાભાણી, દિનેશભાઇ પટણી તથા અન્‍યો જોડાયા હતાં. 

(2:42 PM IST)