તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 25th September 2025
પાલનપુરના ગઢને તાલુકો બનાવવા લોકોએ સરકાર સામે બાંયો ચઢાવી
ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારીઃ૩૦ વર્ષથી તાલુકો બનાવવા માગ કરવામાં આવી હોવા છતાં તેને તાલુકો નહીં બનાવાતા ૩૦ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો

પાલનપુર,તા.૨૫
ગુજરાત સરકારે બુધવારે ૧૭ નવા તાલુકાઓની જાહેરાત કરી હતી. આ નવા તાલુકાઓનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. બીજી ઓક્ટોબરથી નવા તાલુકા અસ્તિત્વમાં આવશે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે નોટિફિકેશન જાહેર કરાયું છે. વાવ- થરાદ જિલ્લો પણ બીજી ઓક્ટોબરથી અસ્તિત્વમાં આવશે.
આ દરમિયાન બનાસકાંઠામાં ફરીવાર વિરોધ શરૃ થયો છે. પાલનપુર તાલુકાના ગઢ ગામને ૩૦ વર્ષથી તાલુકો બનાવવા માગ કરવામાં આવી હોવા છતાં તેને તાલુકો નહીં બનાવાતા ૩૦ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
બીજી ઓક્ટોબરથી વાવ-થરાદ તાલુકો અસ્તિત્વમાં આવશે. રાજ્ય સરકારે બનાસકાંઠાના વિભાજન બાદ ચાર નવા તાલુકાઓ બનાવીને તેનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે. આ દરમિયાન પાલનપુર તાલુકાના ગઢ ગામને તાલુકો બનાવવા માટે છેલ્લા ૩૦ વર્ષથી માગ કરવામાં આવી છે. આ વખતે પણ સરકારે ગઢને તાલુકો નહીં બનાવતા આસપાસના ૩૦ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, આગામી ચૂંટણીઓનો બહિષ્કાર કરવામા આવશે અને ઉગ્ર આંદોલન કરાશે.
પાલનપુર તાલુકાના ૨૦ હજારથી પણ વધુ વસ્તી ધરાવતા ગઢ ગામમાં સરકારી હોસ્પિટલ,પશુ દવાખાનું,પોલીસ સ્ટેશન,વિધુત કચેરી સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી છે. ગઢ ગામ આજુબાજુના ૩૫થી ૪૦ ગામોથી વેપાર ધંધા સાથે સંકયાળેલુ છે.ગઢ ગામમાં અનેક કચેરીઓ સહિત બેંક અને ૧૦૦ જેટલા હીરાના કારખાના હોવાથી આજુબાજુના ગામોના લોકો ધંધાર્થે ગઢમાં રોજ અવરજવર કરે છે. તેની ગઢ પંથકના વિસ્તારના વિકાસ માટે ગઢને તાલુકો બનાવવો જોઇએ તેવી ગઢના રહીશો સહિત આજુબાજુના ગામોના લોકો પણ વર્ષોથી માંગ કરી રહ્યા છે.અનેક વાર નેતાઓ ચૂંટણી સમયે ગઢને તાલુકો બનાવવાની વાત કરીને વાયદાઓ આપે છે પરંતુ ત્યાર બાદ કશું થતું નથી.
સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને તેમાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવી તેમજ બનાસકાંઠામાં નવો હડાદ તાલુકો અને ઓગડ તાલુકો તેમજ વાવ -થરાદ જિલ્લામાં નવો રાહ અને ધરણીધર તાલુકો બનાવી તેનું નોટિફિકેશન બહાર પડતા ગઢ પંથકના લોકોમાં સરકારના વલણ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગઢને તાલુકો ન બનાવતા ગઢ સહિત આજુબાજુના ગામોના સ્થાનિકોએ આજે ગઢ ગામે એકઠા થઈને સુત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ ચીમકી ઉચ્ચારી હતી કે ગઢને તાલુકો નહિ બનાવાય તો ઉગ્ર આંદોલન કરાશે અને જ્યાર સુધી તેમની માંગ નહિ સંતોષાય ત્યા સુધી તમામ ચૂંટણીઓનો ૩૦ ગામના લોકો સામુહિક બહિષ્કાર કરશે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
