<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

દહેગામના બહિયલમાં બબાલ બાદ બજારો સંપૂર્ણપણે બંધ

૫ આરોપીના ૫ દિવસના રિમાન્ડ મંજૂરઃગામમાં બજારો બંધ થતા સ્થાનિકો પણ રોડ પર દેખાયા નથી, ફકત રોડ પર દેખાય છે તો માત્ર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ગાંધીનગર,તા.૨૬

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે ત્રીજા નોરતે ગરબા પર થયેલા હુમલાબાદ પોલીસે એક્શનમાં આવી પોલીસ એકશનમાં આવી ૬૧ જેટલા લોકોને ધરપકડ કરી હતી. બહિયલ ગામે બનેલી ઘટનાના બીજા દિવસે એટલે કે શુક્રવારે પણ સમગ્ર બજારો બંધ રહ્યા હતા, સમગ્ર બહિયલ ગામ હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે ગામમાં નીરવ અને એક અજંપા ભરી શાંતિ ફેલાઈ છે. સમગ્ર કેસ મામલે ૬૧ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. જ્યારે ૫ આરોપીના ૫ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું સામે આવ્યું છે.

તો ગામમાં અશાંતિ ફેલાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને ચાલી પણ ના શકે તેવી સર્વિસ કરી છે, આરોપીઓને લઈ પોલીસ બહિયલ ગામે પહોંચી છે અને ૩૫ જેટલા પથ્થરબાજોની શાન પોલીસ ઠેકાણે લાવી છે, જે પગે ઉભા રહીને પથ્થરમારો કર્યો હતો, તે પગે આરોપીઓ ચાલી પણ શકતા નથી. આ કેસમાં ૮૩ લોકોની નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ૧૫૦૦ના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે, પોલીસે અત્યારે પણ આરોપીનું રિકન્ટ્રકશન કર્યુ છે અને સરઘસ કાઢયું છે, આ બબાલમાં બહિયલ ગામના ડેપ્યુટી સરપંચની પણ સંડોવણી હોવાની વાત લોકમુખે ચર્ચાઈ રહી છે.

દહેગામના બહિયલમાં સોશિયલ મીડિયામાં મુકાયેલી એક ધાર્મિક પોસ્ટને લઇને બહિયલ ગામ આખુ ભડકે બળ્યા જેવી સ્થિતિ જોવા મળી હતી. વિવાદાસ્પદ પોસ્ટને લઈને બે જૂથ સામસામે આવી ગયા હતા. બહિયલના એક યુવકે તેના સોશિયલ મીડિયામાં એક ધાર્મિક સ્ટેટસ મૂક્યું હોવાને લઈને આ ઘટનાએ ઉગ્ર રુપ ધારણ કર્યુ હોવાની વિગતો છે. ટોળાં દ્વારા ગત ત્રીજા નોરતાની રાત્રિના સમયે ગરબા પર પથ્થરમારો, આગચંપી, તોડફોડ સહિતની ઘટના બની હતી. જેના પગલે માહોલ ગરમાઈ જવા પામ્યો છે. બે કોમ સામસામે આવી જતાં પરિસ્થિતી બેકાબુ બની હતી.હિંસક ટોળાં હથિયારો સાથે તુટી પડયા હતા અને ગામમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા ફરિયાદીની ઝેરોક્ષની દુકાન સહિત અનેક દુકાનો સળગાવી દીધી હતી. તેમજ આઠથી વધુ ગાડીઓમાં તોડફોડ કરી હતી. ફરીયાદીના માથામાં લોખંડની પાઈપ મારીને જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ અન્ય ત્રણેક ઇસમો પથ્થરો વાગતા ઈજાગ્રસ્ત થયા હતા. ટોળાને કાબુ કરવા માટે પોલીસે પાંચ રાઉન્ડ ટીયરગેસના શેલ છોડતા ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. આગચંપી, દુકાનોમાં તોડફોડ તેમજ પોલીસના સરકારી વાહનો બે ગાડીઓ તેમજ આગ બુઝાવા માટે આવેલા ફાયર બ્રિગેડની ગાડી ઉપર પણ પથ્થરમારો કરાયો હતો અને કાચ તોડી નાખ્યા હતા.

(9:55 PM IST)